કાર્યવાહી@સુરત: MD ડ્રગ્સનું વેચાણ કરે તે પહેલા જ ત્રણ શખ્સોની ધરપકડ, જાણો સમગ્ર મામલો
અટલ સમાચાર, ડેસ્ક
સુરતના રાંદેર વિસ્તારમાં ટેક્સી પાર્સિંગની કારમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરવાની ફિરાકમાં ફરી રહેલા ત્રણ શખ્સોની રાંદેર પોલીસે ધરપકડ કરી 5.09 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે એમડી ડ્રગ્સની સપ્લાય આપતા અન્ય ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસ તપાસમાં હાલ ઝડપાયેલા આરોપીઓ પોતાની હાઈ- પ્રોફાઈલ લાઇફ જીવવા માટે એમડી ડ્રગ્સનો કારોબાર કરતા હોવાનું સામે આવ્યું છે.
સુરત શહેર પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અંતર્ગત ચલાવવામાં આવી રહેલ અભિયાન હેઠળ પોલીસને વધુ એક સફળતા મળી છે. સુરતની રાંદેર પોલીસે એમડી ડ્રગ્સનું વેચાણ કરવાના ફિરાકમાં ફરી રહેલા ત્રણ શખ્સોની ધરપકડ કરી બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. રાંદેર પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાંદેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે સફેદ કલરની ટેક્સી પાર્સિંગની એક કારને પોલીસે ઝડપી પાડી હતી. કારમાં સવાર મોહમ્મદ જુનેદ સાહિલ ઉર્ફે સ્માર્ટી અલ્તાફ હુસેન કડીયા, ઈરફાન ઉર્ફે બટકો ઉર્ફે કાલુ રહેમત બેગ અને ઉમેદ ઉર્ફે બડા ગુલામ હુસેન પેરિયાની અંગઝડતી લેતા 1.69 લાખની કિંમતનું 16.90 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. એક કાર, એમડી ડ્રગ્સનો જથ્થો, રોકડા રૂપિયા સહિત 5.9 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પુછપરછ હાથ ધરી હતી.
આરોપીઓની પુછપરછ આ એમડી ડ્રગ્સનો જથ્થો આરોપીઓ વેચવાના ફિરાકમાં હતા. પોતાની હાઈ-પ્રોફાઈલ જીવનશૈલી જીવવા માટે હાલ ઝડપાયેલા આરોપીઓ દ્વારા મોહસીન ઉર્ફે છત્રી , શિવા ઉર્ફે જવાલા પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લાવી ટેક્સી પાર્સિંગ કારમાં ફરી નક્કી કરેલ અવાવરું જગ્યાએ ગ્રાહકોને એમડી ડ્રગ્સનું વેચાણ કરતા હતા. ત્રણે આરોપીઓને પણ રાંદેર પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.
આરોપી મોહમ્મદ જુનેદ ઉર્ફે સાહિલ અગાઉ પણ સુરત ક્રાઈમ બ્રાન્ચના હાથે NDPSના ગુનામાં ઝડપાઈ ચુક્યો છે. જ્યારે ઇરફાન ઉર્ફે બટકાની પણ એનડીપીએસના ગુનામાં અગાઉ ધરપકડ થઈ ચુકી છે. તેવી જ રીતે આરોપી ઉબેદ ઉર્ફે બાડો પણ અઠવા પોલીસ મથકના ત્રણ અને ઉમરા પોલીસ મથકના એક ગુનામાં ઝડપાઈ ચુક્યો છે. ત્રણે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસ તપાસમાં એમ.ડી. ડ્રગ્સના કારોબારમાં અન્ય શખ્સો ના નામ પણ સામે આવે તેવી શક્યતા પણ હાલ સેવાઈ રહી છે.