દુ:ખદ@ગુજરાત: કમોસમી વરસાદ વચ્ચે વીજળી પડતાં ત્રણ વ્યક્તિનાં મોત, જાણો વધુ

 
Rain

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં કમોસમી વરસાદ વચ્ચે ત્રણ લોકોનાં વીજળી પડવાની મોત થયા છે. વિગતો મુજબ ભાવનગર, કચ્છ અને ડાંગમાં વીજળી પડવાથી મોત થયાની ઘટનાઓ બની છે. હવામાન વિભાગ દ્વારા વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની આગાહી સાથે લોકોને સાવચેતી રાખવા તથા વરસાદ દરમિયાન બહાર ના નીકળવા તથા ઝાડ નીચે કે વીજળીના થાંભલા પાસે ના ઉભા રહેવાની સલાહ આપવામાં આવી છે. વીજળી પડવાની ત્રણ ઘટના બની છે તેમાં એક વ્યક્તિ વીજળી પડવાથી ઘાયલ પણ થઈ છે.

ભાવનગરમાં વીજળી પડતા 15 વર્ષના કિશોરનું મોત થઈ ગયું છે. તળાજા તાલુકાના સાંખડસરા ગામમાં કમોસમી વરસાદ દરમિયાન પડેલી વીજળીથી અરવિંદ નામના કિશોરનું મોત થઈ ગયું છે. આ જ વિસ્તારમાં વીજળી પડવાથી એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ પણ થઈ છે. મૃતક અરવિંદના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. કચ્છમાં પણ વીજળી પડવાની ઘટનામાં એક યુવતીનું મોત થઈ ગયું છે. લખપતના લાખાપરાના વાડી વિસ્તારમાં બનેલી ઘટનામાં યુવતીનું મોત થઈ ગયું છે. ગાજવીજ સાથે થયેલા વરસાદ દરમિયાન ઘરની બહાર રહેલી યુવતી પર વીજળી પડતા તેનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ડાંગમાં પણ વીજળી પડવાની ઘટનામાં સુબીર તાલુકાના કડમાળ ગામમાં ખેડૂતનું મોત થયું છે. ખેડૂત મોહનભાઈ પાવર ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં ઠેર-ઠેર વરસાદ થવાની આગાહી કરી છે જેમાં ડાંગમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ હતી. મોહનભાઈનું મોત થતા પરિવારમાં ભારે ગમગીની છવાયેલી છે.