દુર્ઘટના@મોરબી: ટ્રકે બાઈકને અડફેટે લેતાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત
અટલ સમાચાર, ડેસ્ક
મોરબીના નાના દહીસરા ગામ પાસે બાઈક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થયો છે. અજાણ્યો ટ્રક ચાલક અકસ્માત સર્જીને ફરાર થવામાં સફળ રહ્યો છે. બાઈક સવાર એક જ પરિવારના પાંચમાંથી ત્રણના મોત થયા છે. તો બેની હાલત અત્યંત ગંભીર છે. મળતા અહેવાલ પ્રમાણે બાઇક ચાલક પિતા, દીકરો અને એક દીકરીનું મોત નિપજ્યું છે, તો બીજી તરફ એક દિકરી અને માતા ગંભીરરૂપે ઈજાગ્રસ્ત થયા છે.
મૃતકોમાં શુભમ 2 વર્ષ, પરી 5 વર્ષ, ધર્મેન્દ્ર 28 વર્ષ તો ઈજાગ્રસ્તોમાં માતા લક્ષ્મીબેન ઉ.વ. 28 અને ખુશી ઉ.વ. 3નો સમાવેશ થાય છે. બન્નેની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ રિફર કરવામાં આવ્યા છે, ત્યાં તેમની સારવાર ચાલી રહી છે, પરંતુ માતા-દિકરીની સ્થિતિ અત્યંત ગંભીર છે. એક જ પરિવારના બે બાળકો અને તેના પિતાનું અકાળે મોત નિપજતા પરિવારજનો અને સંબધીઓમાં શોકની લાગણી ફેલાઈ છે. અકસ્માતની જાણ થતાં માળિયા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ પરિવાર મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે અને હાલ માળિયાના વવાણીયા ગામે વસવાટ કરતા હતા. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને ફરાર ટ્રક ચાલકને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.