અપડેટ@સુરત: વેપારીને ચપ્પુ મારી લૂંટમાં ટીપ આપનાર જૂના કારીગર સહિત ત્રણ ઝડપાયા, જાણો વધુ

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના અડાજણ એલપી સવાણી રોડ પર બે દિવસ અગાઉ તમાકુના હોલસેલના વેપારી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી રૂપિયા આઠ લાખની દિલધડક લૂંટ ચલાવવાની ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલી ટીપર સહિત બે આરોપીઓની ધરપકડ કરી છે.આરોપીઓ પાસેથી ક્રાઈમ બ્રાન્ચે રોકડા રૂપિયા 2.75 લાખ અને એક બર્ગમેન મોપેડ કબ્જે લઈ લૂંટની ઘટનામાં શામેલ બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

સુરતના અડાજણ સ્થિત એલપી સવાણી રોડ ઉપર આવેલ પાનનો ગલ્લો અને તમાકુનો હોલસેલનો વેપાર કરતા વેપારી પાસેથી અજાણ્યા શખ્સોએ રૂપિયા આઠ લાખની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.જે લૂંટની ઘટનાનો ભેદ સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે. અઠવાલાઇન્સ સ્થિત પોલીસ ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધતા પોલીસ કમીશ્નર અજય તોમર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુરતના અડાજણ એલપી સવાણી રોડ પરથી સમી સાંજે પસાર થઈ રહેલા વેપારી રવિ અમરણાનીને આંતરી ત્રણ જેટલા શખ્સોએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી રૂપિયા આઠ લાખની લૂંટ ચલાવી હતી.

ઘટનાની તપાસ સ્થાનિક પોલીસની સાથે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી હતી.જ્યાં ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે.ક્રાઈમ બ્રાન્ચે ટીપર સચિન તેલુગુ સહિત લૂંટની ઘટનામાં શામેલ અમૂલ મોહિતેની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી લૂંટની ઘટનામાં વપરાયેલી મોપેડ, રેમ્બો છરો કબ્જે કરી 2.75 લાખની મત્તા જપ્ત કરવામાં આવી છે.ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં અડાજણ પોલીસ દ્વારા પણ અથાગ પ્રયાસ કરવામાં આવ્યા હતા.પરંતુ સુરત ક્રાઈમ બ્રાન્ચને ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.જે માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમને ઇનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવશે.

ઝડપાયેલ આરોપી અમુલ મોહિતે લૂંટની ઘટનામાં સામેલ હતો અને આરોપી વિરૂદ્ધ અગાઉ નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં પ્રોહીબિશનનો ગુનો પણ નોંધાયો છે.જ્યારે ટીપ આપનાર આરોપી સચિન તેલુગુ વિરૂદ્ધ પણ ઉધના પોલીસ મથકમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાઇ ચુક્યો છે. આરોપીઓ પોતાના ગુનામાં સફળ ન થાય તે માટે સુરત પોલીસ સતત પ્રયત્નશીલ છે. વેપારીઓ મોટી રકમ લઈ અવરજવર ન કરે તે સુનિશ્ચિત કરવું જોઈએ અથવા તો આટલી મોટી રકમ લઈ જતી વખતે પૂરતી તકેદારી રાખવી જોઈએ.

હાલ લૂંટની આ ઘટનામાં બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે મુખ્ય ટીપર ને પણ ઝડપી પાડી પૂછપરછ કરવામાં આવી રહી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિય પોલીસ દ્વારા પણ આંગડિયા પેઢીના સંચાલકો -જ્વેલર્સ વેપારીઓને સમયાંતરે રોકડ રકમ ની લેવડદેવડ સમયે તકેદારી રાખવા માટેની સૂચના આપવામાં આવે છે. જ્યાં હાલ પણ થોડા દિવસ અગાઉ આ બાબતે સુરત પોલીસ દ્વારા વેપારીઓ જોડે મિટિંગ કરી જરૂરી સુચનો કરવામાં આવ્યા છે.