બ્રેકિંગ@ગુજરાત: 5 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, જાણો શું કહ્યું હવામાન વિભાગે ?

 
Weather Department

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે, આ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, દક્ષિણ ગુજરાત સહિતના ભાગોમાં વરસાદ થયો છે. ગુજરાત માટે આગામી પાંચ દિવસ માટેની અમદાવાદના હવામાન કેન્દ્ર દ્વારા આગાહી કરવામાં આવી છે, તેમાં પણ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહિતના ભાગોનો સમાવેશ થાય છે.

અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ ગુજરાત માટે આગામી 5 દિવસની આગાહી કરીને જણાવ્યું છે કે, રાજ્યના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના બાકીના વિવિધ ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી છે. આ સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને ગાજવીજ સાથે વરસાદ થવાની પણ સંભાવનાઓ છે.

વરસાદની સાથે સાથે હવામાન વિભાગે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સાથે ડૉ. મોહંતીએ જણાવ્યું કે, તાપમાન સામાન્ય કે સામાન્ય કરતા નીચું નોંધાઈ શકે છે. રાજ્યમાં હાલ 40 કરતા નીચું તાપમાન નોંધાઈ રહ્યું છે. સૌથી ઊંચું 39 ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયું છે.

આગામી પાંચ દિવસના રાજ્યના હવામાન અંગે આગાહી કરવામાં આવી છે જેમાં પાંચે દિવસ વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે અરવલ્લી, સાબરકાંઠા, ડાંગ, નર્મદા, સુરત અને તાપી તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા અને જામનગર તથા કચ્છમાં વરસાદ થવાની આગાહી છે. જ્યારે રાજ્યના બાકીના ભાગોમાં હવામાન સૂકું રહી શકે છે. તારીખ 27મી એપ્રિલે બનાસકાંઠા, દાહોદ, સાબરકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, તાપી અને વલસાડની સાથે સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર અને કચ્છમાં હળવા કે ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 28મી એપ્રિલે પણ હળવાથી સામાન્ય કે ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસની આગાહીમાં ત્રીજા દિવસે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ડાંગ, નર્મદા અને તાપી તથા સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને કચ્છમાં વરસાદ થવાની સંભાવના છે. 29મી એપ્રિલે અમદાવાદ, ગાંધીનગર સહિત અરવલ્લી, દાહોદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, સુરત, વડોદરામાં હળવાથી સામાન્ય કે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજ દિવસે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છમાં વરસાદ થવાની આગાહી છે.

આ સાથે 30મી એપ્રિલે રાજ્યના અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, તાપી અને સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે વરસાદની આગાહી સાથે કેટલીક બાબતોની કાળજી રાખવાની પણ સલાહ આપી છે. હવામાન વિભાગે માવઠાની આગાહી કરીને ભારે પવન સાથે ઝાડ, કાચા મકાન અને પાકને નુકસાન થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ભારે પવન અને વરસાદના કારણે કાચા રહેણાંક મકાનોને નુકસાન થઈ શકે છે. આ સિવાય જે હળવી વસ્તુઓ છે તે ખુલ્લી પડી હશે તો પવન સાથે ઉડવાની પણ શક્યતાઓ છે. માવઠા દરમિયાન ઘરમાં સુરક્ષિત રહેવાની અને બારી-બારણાં બંધ રાખવાની સલાહ અપાઈ છે. ઝાડની નીચે વરસાદ દરમિયાન ના ઉભા રહેવાનું જણાવાયું છે.