બ્રેકિંગ@ગુજરાત: આજે રાજ્યના આ વિસ્તારોમાં માવઠું અને કાળઝાળ ગરમીની આગાહી, જાણો એક જ ક્લિકે
અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં ફેરફારની સંભાવના નહિવત્ છે. આ દરમિયાન રાજ્યમાં માવઠાનો વધુ એક રાઉન્ડ થવાની શક્ચતા છે. જ્યારે આજે એટલે 12 એપ્રિલના રોજ બનાસકાંઠા અને કચ્છના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે.
હવામાન વિભાગ દ્વારા ગરમી સાથે માવઠાની પણ આગાહી કરાઇ છે. છે. 14 એપ્રિલના રોજ વલસાડ, સુરત, નવસારી, અમરેલી, ભાવનગર, દમણ, દાદરા નગર હવેલીમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવાની સાથે ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. જ્યારે આજે કચ્છ અને બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મંગળવારે ગાંધીનગર, અમરેલી, રાજકોટ, વડોદરા, જુનાગઢ, દાહોદ, સુરતમાં 39 ડિગ્રીથી વધારે ગરમી નોંધાઇ હતી. ગરમી વચ્ચે માવઠાના વધુ એક રાઉન્ડની સંભાવનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માર્ચ મહિનામાં પણ અનેક જિલ્લામાં માવઠાથી પાક પર અસર પડી હતી.
હવામાન ખાતાના ડાયરેક્ટર જનરલે 2023ના ચોમાસા વિશે લાંબાગાળાની આગાહી કરતાં એવી ખાસ સ્પષ્ટતા પણ કરી હતી કે, અલ નીનોના પરીબળની અસર 2023ના ચોમાસામાં થાય તેવી સંભાવના છે. આ સાથે અલ નીનોની અસર વર્ષા ઋતુના બીજા તબક્કામાં એટલે કે ઓગસ્ટમાં થાય તેવી શક્યતા છે. આ દરમિયાન ભારતમાં સારી વર્ષા થાય તેવાં કુદરતી પરિબળો પણ છે. આપને જણાવીએ કે, વિશ્વના સૌથી વિશાળ અને સૌથી ઉંડા પેસિફિક મહાસાગરના ગરમ પ્રવાહોને હવામાનશાસ્ત્રની ભાષામાં અલ નીનો જ્યારે ઠંડા પ્રવાહોને લા નીના કહેવાય છે.
ભારતમાં અલ નીનો દર વખતે નકારાત્મક અસર કરે તે ધારણા ખોટી છે. ઉપરાંત આ વખતે વર્ષા ઋતુમાં ઇન્ડિયન ઓશન ડાઇપોલનું પરિબળ પણ મદદરૂપ બને તેવી સંભાવના છે. ઉપરાંત, ૨૦૨૨ના ડિસેમ્બરથી ૨૦૨૩ના માર્ચ દરમિયાન પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં અને યુરોપમાં બરફનું પ્રમાણ પ્રમાણમાં ઓછું રહ્યું હતું. આ બંને કુદરતી પરિબળો ભારતના ચોમાસા માટે ફાયદાકારક બની રહે છે.