ધાર્મિક@ગુજરાત: આજે કાળી ચૌદસ, જાણો મા કાળીની પૂજા વિધિ, મુહૂર્ત અને મહત્વ

 
Kali Chaudas

અટલ સમાચાર, ડેસ્ક

દિવાળીના તહેવારોમાં કાળી ચૌદસનું પણ ખૂબ જ મહત્વ છે અને આ દિવસ કાળી માના ભક્તો ધામધૂમથી ઉજવે છે. આ દિવસે લોકો શક્તિનું પ્રતીક મા કાળીની પૂજા કરે છે. કાળી ચૌદસને નરક ચતુર્દશી, નરક નિવારણ ચતુર્દશી અને રૂપ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જણાવી દઈએ કે કાળી ચૌદસ કારતક માસની કૃષ્ણ પક્ષની ચૌદસના દિવસે ઉજવવામાં આવે છે.

કાળી ચૌદસ તારીખ અને સમય

કાલી ચૌદસનો પ્રારંભ: 11 નવેમ્બર, 2023ના રોજ બપોરે 01:57 વાગ્યે

કાળી ચૌદસની પૂર્ણાહુતિ: 12 નવેમ્બર, 2023ના રોજ બપોરે 02:44 વાગ્યે

કાળી ચૌદસનું મુહૂર્ત: 11 નવેમ્બર, 2023ના રોજ રાત્રે 11:05 વાગ્યાથી 11:56 વાગ્યા સુધી

ભૂત તુર્દશીનું મુહૂર્ત: 11 નવેમ્બર, 2023ના રોજ રાત્રે 10:58 વાગ્યાથી 11:50 વાગ્યા સુધી

DFL
દિવાળી જાહેરાત

કાળી ચૌદસનું મહત્વ

હિન્દુઓમાં કાળી ચૌદસનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે. કાળી ચૌદસ દિવાળીના એક દિવસ પહેલાં ઉજવવામાં આવે છે અને લોકો ખૂબ જ ભક્તિ અને સમર્પણથી માં કાલીની પૂજા અર્ચના કરે છે. માં કાળી દુષ્ટ આત્માઓ, નકારાત્મક શક્તિ અને રાક્ષસોનો નાશ કરનાર દેવી તરીકે ઓળખાય છે. માનવામાં આવે છે કે જે ભક્તો આ દિવસે માં કાળીની પૂજા કરે છે, તેમને બધી જ નકારાત્મક શક્તિઓ અને દુષ્ટ આત્માઓથી મુક્તિ મળે છે. કાળી ચૌદસના દિવસે માં કાળીનો આશીર્વાદ મેળવવાથી બધી નકારાત્મક શક્તિઓ સામે રક્ષા અને દુશ્મનો પર વિજય પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જે લોકો રાહુ ગ્રહના પ્રભાવથી ખરાબ તબક્કામાંથી પસાર થઇ રહ્યા છે, તેમણે માં કાળીની પૂજા કરવી જોઈએ.

આમ તો કાળી ચૌદસ સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે. હિંદુ શાસ્ત્રો અનુસાર, આ દિવસે ભગવાન કૃષ્ણ અને સત્યભામાએ નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. તેમજ બીજી સૌથી લોકપ્રિય વાર્તા એ છે કે ભગવાન વિષ્ણુ વામનના રૂપમાં આવ્યા હતા અને રાજા બલિને વામન અથવા બ્રાહ્મણ પ્રત્યેની તેમની ભક્તિ જોઈને તેમને મુક્તિ આપે છે. ઉલ્લેખનીય છે કે, કાળી ચૌદસનો દિવસ તાંત્રિકો માટે સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. જે લોકો સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માંગે છે, તેઓ આ શુભ દિવસે માં કાળીની પૂજા કરે છે અને દેવીને પ્રસન્ન કરવા માટે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરે છે.

કાળી ચૌદસની પૂજા વિધિ

1. કાળી ચૌદસના દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન કરો.

2. ઘરની સફાઈ કરીને ફૂલો, રંગોળીથી સજાવો.

3. માં કાળીની મૂર્તિની સ્થાપના કરો અને ભક્તિભાવ સાથે દેશી ઘીથી દીવો પ્રગટાવો.

4. દેવીને પ્રાર્થના કરો કે ઘરમાંથી બધી દુષ્ટ આત્માઓ અને નકારાત્મકતા દૂર થાય.

5. આ દિવસે સાંજે પણ દીવો પ્રગટાવો અને દેવીના આશીર્વાદ લો.

કાળી ચૌદસનો મંત્ર: ॐ ऐं ह्रीं क्लीं चामुंडायै विच्चये.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. અમે આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતા નથી.)