બ્રેકિંગ@ગુજરાત: આવતીકાલે ધો.12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ, વોટ્સએપથી પણ મળશે પરિણામ

 
GSHEB

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલની બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા માર્ચ-2023માં પૂર્ણ થઈ છે. ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023નું બોર્ડનું પરિણામ આવતીકાલે જાહેર થશે. બોર્ડના પરિણામની સાથે ગુજકેટની પરીક્ષાનું પણ પરિણામ જાહેર થશે. સવારે 9 વાગ્યે બોર્ડની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. આ વર્ષે ખાસ વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સીટ નંબર મેસેજ કરવાથી પણ પરિણામ મેળવી શકાશે.

ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આવતીકાલે બોર્ડની વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે. સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર સીટ નંબરના આધારે પરિણામ મેળવી શકાશે. આ ઉપરાંત પ્રથમ વખત બોર્ડની પરીક્ષામાં વોટ્સએપના આધારે પરિણામ મળી શકશે. 6357300971 પર સીટ નંબર મોકલીને પરિણામ મેળવી શકાશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં 1.25 લાખ વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. 14 માર્ચથી 29 માર્ચ સુધી બોર્ડની પરીક્ષા ચાલી હતી, જેનું પરિણામ 1 મહિના બાદ એટલે કે 2 મેના રોજ જાહેર કરવામાં આવશે. આવતીકાલે માત્ર ઓનલાઇન પરિણામ જાહેર થશે, ત્યારબાદ 3 દિવસ બાદ સ્કૂલમાંથી માર્કશીટ આપવામાં આવશે.