ક્રાઇમ@અમદાવાદ: અજાણ્યા પુરુષનું ધડ અને માથું મળ્યું, ક્રૂર હત્યાની આશંકા, જાણો વિગત

 
Ahmedabad

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં આશરે 30થી 35 વર્ષના એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનામાં મૃતદેહનું માથું અને ધડ બંને અલગ અલગ મળી આવ્યાં છે. અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં પાંચા તળાવ પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહનું માથું અને ધડ બંને અલગ અલગ હતા. મૃતદેહ 15 દિવસનો પહેલાનો હોવાનું અનુમાન છે. અસહ્ય દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી, જે બાદ સમગ્ર મામલો સામે આવ્યો છે. 

આનંદનગર વિસ્તારમાંથી વહેલી સવારે પોલીસને સ્થાનિકો તરફથી એક કોલ મળ્યો હતો કે હંસ રેસીડેન્સી નજીક આવેલા એક ખુલ્લા પ્લોટમાંથી અસહ્ય દુર્ગંધ આવી રહી છે. જેને પગલે આનંદનગર પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળે જોતા એક ખુલ્લા પ્લોટમાં અવાવરું જગ્યાએ પુરુષનો મૃતદેહ પડ્યો હતો, જેમાં ધડ અને માથું બંને અલગ હતા.આ મૃતદેહ જોઇ પહેલા તો પોલીસ પણ ચોકી ગઈ હતી.

આસપાસના સ્થાનિકો અને પોલીસને જાણ કરનાર વ્યક્તિથી માહિતી એકત્રિત કરી પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ તરફથી મળતી વિગતો અનુસાર આધેડ વયના આ પુરુષનો મૃતદેહ અહીંયા કોઈ હત્યા કરીને ફેંકી ગયું હોવાનું સામે આવ્યું છે. હત્યા કરી મૃતદેહને અવાવરુ જગ્યાએ ફેંકી જનારા ઈસમોને શોધવા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય દિશામાં તપાસ કરવા અલગ અલગ ટીમો કામે લગાડી છે. પોલીસે FSL ટીમને પણ ઘટનાસ્થળે બોલાવી હતી. FSL ટીમની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ મૃતદેહ અંદાજે 15 દિવસ પહેલાનો છે. એટલે કે 15 દિવસ પહેલા આ પુરુષની હત્યા થઈ હોવાનું અનુમાન છે. આનંદનગર પોલીસે આ મૃતદેહની ઓળખ કરવાની દિશામાં તપાસ શરૂ કરી છે.