કવાયત@અમદાવાદ: ટ્રાફિક પોલીસ હવે જોવા મળશે AC હેલ્મેટમાં, જાણો વધુ
અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પોલીસ માટે સતત નવું વિચારી પોલીસને ઉત્તમ વ્યવસ્થા મળે તેનું ખાસ ધ્યાન રાખતા હોય છે. પોલીસ વડાએ હવે પ્રાયોગિક ધોરણે વધુ એક પહેલ કરી છે જેનો હેતુ પોલીસને ગરમીમાંથી રાહત આપશે.
એસી હેલ્મેટ પોલીસના સામાન્ય હેલ્મેટની ડિઝાઇનવાળા જ હેલ્મેટ છે. પણ તેમાં ખાસિયત એ છે કે તેમાં મૂકાયેલો પંખો એસીની માફક હવા ફેંકે છે જેથી તેને એસી હેલ્મેટ કહેવાય છે. આ હેલ્મેટ બેટરીથી ચાલે છે. જે બેટરીનો વાયર હેલ્મેટ સાથે જોડેલો છે અને બેટરી એક કવરમાં હોય છે જે ટ્રાફિક પોલીસે તેમના કમરે ભરાવી બાદમાં હેલ્મેટ પહેરવાનું રહે છે
પોલીસને ઠંડક મળવાની સાથે સાથે આંખો અને નાક સુરક્ષિત રહે છે. આંખ અને નાકમાં ધુળ, ધુમાડો કે તડકાની અસર રહેતા આ હેલ્મેટથી પોલીસનું સ્વાસ્થ્ય બગડતું અટકાવી શકાશે. કેમકે હેલ્મેટમાં એક ગ્લાસ પણ આપ્યો છે જે નાક સુધીનો ચહેરો ઢાંકે છે. આ હેલ્મેટનો બેટરી બેકઅપ પણ ખૂબ યોગ્ય છે, ચાર્જ કર્યા બાદ અનેક કલાકો સુધી તેની બેટરી ચાલે છે.
ટ્રાફિક પોલીસ સતત રોડ પર ધૂળ અને પ્રદૂષિત ધુમાડા વચ્ચે ફરજ બજાવતી હોય છે. પોલીસને વરસાદમાં રેઇનકોટ મળે છે, શિયાળામાં જેકેટ કે સ્વેટર મળે છે પણ ઉનાળામાં પોલીસને સતત રોડ પર ગરમીમાં શેકાવું પડે છે. આ હકીકતને ધ્યાનમાં લઇ પોલીસ વડાએ પ્રાયોગિક ધોરણે અમદાવાદ ટ્રાફિક પોલીસને એસી હેલ્મેટ અપાયા છે. શહેરમાં પૂર્વ વિસ્તારના કેટલાક વિસ્તારોમાં જઇએ ત્યારે પોલીસ અલગ પ્રકારના હેલ્મેટ સાથે સજ્જ જોવા મળી રહી છે. રોડ પર ફરજ બજાવતી પોલીસના માથે એક હેલ્મેટ હોય છે અને તેની સાથે જોડેલો એક વાયર અને પેટ પર એક કવર બાંધ્યુ હોય તેવું કંઇક જોવા મળે છે.