રિપોર્ટ@ગુજરાત: વાહનોની સંખ્યા વધતા ટ્રાફિકની સ્થિતિ ગંભીર, લોકોમાં માનસિક સમસ્યાઓમાં થયો વધારો
અટલ સમાચાર, ડેસ્ક
ધીમે ધીમે અમદાવાદનો ટ્રાફિક તેની ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ટ્રાફિકની અસર સતત તેમાંથી પસાર થનારના મનમાનસ પર અને શરીર પર પડવાથી આખા દિવસના કાર્યમાં તેની કાર્યક્ષમતા પર પણ પડે છે. વિશ્વમાં સંશોધન માટે જાણીતા રિસર્ચ ગેટમાં થયેલા ટ્રાફિકવાળા શહેરમાં શહેરીજનોની માનસિકતા અને આરોગ્ય પર કેવી અસર પડે છે તેનું ખાસ સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું છે કે ટ્રાફિકવાળા શહેરમાં રહેતા નાગરિકની માનસિક સ્થિતિ ઓછા ટ્રાફિકવાળા શહેરના નાગરિક કરતાં વધુ ખરાબ હોય છે. સતત ટ્રાફિક, ઘોંઘાટ, ઘરે કે ઓફિસ કે પોતાના કામમાં પહોંચવા માટે માનસિક રીતે સતત વ્યસ્ત અને વ્યગ્ર મનની અસર તેના આખા દિવસના કાર્ય પર પડે છે. તેની સામે ઓછા ટ્રાફિકવાળા શહેરોના નાગરિકોની કાર્યક્ષમતા ઘણી તંદુરસ્ત અને શાંતિ જોવા મળે છે.
છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદમાં વાહનોની સંખ્યા 20 લાખ કરતાં વધારે છે. સવારે 9 વાગ્યાથી 12 અને સાંજે 5થી 8 દરમ્યાન કેટલાંક વિસ્તારોમાં તો એટલો ટ્રાફિક હોય છે કે વાહનોને લાંબા સમય સુધી ધીમે ધીમે ગતિ કરવી પડે છે. 2022માં નોંધાયેલા કુલ રાજ્યના વાહનોની સંખ્યા 2.97 કરોડને ક્રોસ કરી ગઇ છે. આ વધારો 432 ટકાનો છે. અવાજ અને પ્રદૂષણની સમસ્યા પણ શરીર માટે એટલી જ ઘાતક છે. જે શહેરોમાં ટ્રાફિક નથી ત્યાંના લોકોનું સ્વાસ્થ્ય, માનસ અને જીવનધોરણ ઓછા પૈસા હોવા છતાં પણ ઘણું સારૂં છે. ટ્રાફિકવાળા શહેરનો નાગરિક સ્વાભાવિક રીતે ઉદ્ગિગ્ન રહે છે અને તેનું બ્લડ પ્રેશર, બ્રેઇન વધું પડતો સ્ટ્રેસ અનુભવે છે.
અમદાવાદમાં અનેક જગ્યાએ ટ્રાફિકના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવતું નથી. અમદાવાદીઓ સિંગ્નલ નહીં પણ ટ્રાફિક પોલીસને પહેલા જુવે છે. કોઇ સિગ્નલ પર જો કોઇ ટ્રાફિક પોલીસ ના હોય તો તે સિગ્નલ બંધ હોય તો પણ પોતાના વાહનો ધમધોકાર દોડાવે છે જેને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. તમારે અમદાવાદમાં કોઇ જગ્યાએ પહોંચવા માટે 15 મિનિટ જેટલો સમય લાગતો હોય પણ ટ્રાફિકને કારણે તમારે એક કલાક જેટલો સમય લાગી જાય છે.