કાર્યવાહી@મોરબી: નકલી ટોલનાકા પ્રકરણમાં મોટી અપડેટ, વાંકાનેર સીટી પોલીસના 3 કર્મચારીઓની બદલી
અટલ સમાચાર, ડેસ્ક
મોરબી જિલ્લાના વાંકાનેર શહેરના નકલી ટોલનાકા પ્રકરણમાં એક મોટા સમાચાર સામે આવ્યાં છે. વાંકાનેર સીટી પોલીસના ત્રણ કર્મચારીઓની બદલી કરી નાખવમાં આવી છે. જે પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે તેમના નામ દિવ્યરાજસિંહ ઝાલા, કૃષ્ણસિંહ ઝાલા અને પ્રતિપાલસિંહ વાળા છે, જેમની મોરબી જિલ્લામાં જ આંતરિક બદલી કરવામાં આવી છે. નકલી ટોલનાકા પ્રકરણમાં આ ત્રણ પોલીસકર્મીઓની બદલી થયાની ચર્ચા વહેતી થઇ છે. આરોપીઓ સુધી પહોંચવામાં નિષ્ફળ પોલીસે ડીસ્ટાફના જવાનોની બદલી કરી છે.
મોરબી જિલ્લામાં વાંકાનેરમાં વઘાસીયા ટોલ પ્લાઝા પાસે નકલી ટોલનાકું બનાવીને કથિત રીતે કરોડો રૂપિયાનું ઉઘરાણું કરીને સરકારને આર્થિક નુકસાન પહોંચાડવા બાદલ 5 જેટલા લોકો સામે FIR નોંધાઈ હતી . વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પરમારે ફરિયાદી બનીને આ 5 આરોપીઓ સામે FIR નોંધાવી હતી. વઘાસીયા ટોલપ્લાઝાનો કોન્ટ્રાકટ 26-04-2018થી બામણબોર ટોલવેઝ પ્રા.લી. પાસે છે. ટોલ પ્લાઝાનો સિક્યુરીટી કોન્ટ્રાકટ 08-12-2021થી ટી.બી. ઇન્ફ્રા હૈદરાબાદ પાસે છે.
વાઈટ હાઉસ કારખાનાના સંચાલક અમરશીભાઈ પટેલને મંદીના કારણે દોઢ વર્ષથી કારખાનું બંધ કરેલ છે. અમરશીભાઈ, રવિરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ ઝાલા અને તેના માણસોએ આ કારખાનાની દીવાલમાં એક દરવાજો બનાવીને ટોલનાકાને બાયપાસ કરતો રસ્તો બનાવ્યો હતો. ટોલનાકામાંથી વાહનોને પસાર કરવાની જગ્યાએ વાઈટહાઉસ સિરામિકમાં બળજબરીથી લઇ જઈને આ લોકો પોતાની મરજી મુજબ ટોલનાકા દ્વારા નિયત કરેલ દર કરતા ઓછો ટોલ ઉઘરાવતા હતા.
વઘાસીયા ગામના ધર્મેન્દ્રસિંહ ઝાલા અને યુવરાજસિંહ ઝાલા તેના માણસો આ રીતે ગેરકાયદેસર ટોલનાકું બનાવી, ગેરકાયદેસર રીતે વાહનો પસાર કરાવી બામણબોર ટોલવેઝ પ્રા.લી. આર્થિક નુકશાન પહોચાડીને ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવતા હતા. વઘાસીયા ટોલનાકાના કર્મચારીઓ રોકવા જાય તો તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. આ તમામ આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસે છેતરપીંડી અને વિશ્વાસધાત અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.