તૈયારી@ગુજરાત: જામનગર-અમદાવાદ વચ્ચે દોડનારી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન, જાણો ક્યારે થશે શરૂ ?
અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતની ત્રીજી અને સૌરાષ્ટ્ર તરફ દોડનારી સૌપ્રથમ વંદે ભારત ટ્રેનને 24મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે. જામનગર-અમદાવાદ વચ્ચે દોડનારી આ વંદે ભારત ટ્રેનનું અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી વિરમગામ અને પરત સાબરમતી સુધી ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રેનને 110થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવી હતી. વંદે ભારત ટ્રેન જામનગરથી ઉપડી રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ અને સાબરમતી થઈ અમદાવાદ રેલવે સ્ટેશને પહોંચશે. જામનગરથી અમદાવાદ માત્ર 5 કલાકમાં ટ્રેન પહોંચાડી દેશે.
ગુજરાતમાં અત્યારે બે વંદે ભારત ટ્રેન દોડે છે
ગુજરાતમાં અત્યારે ગાંધીનગરથી મુંબઇ અને અમદાવાદથી જોધપુર વચ્ચે વંદે ભારત ટ્રેન દોડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 સપ્ટેમ્બરે પોતાના ગુજરાત પ્રવાસમાં નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન ગાંધીનગરથી મુંબઇ સેન્ટ્રલ વચ્ચે દોડી રહી છે. વંદે ભારત ટ્રેન અમદાવાદથી ઉપડીને રાજકોટમાં રોકાશે અને તે પછી જામનગર પહોંચશે. આ રૂટ પર જો ટ્રેનને ટ્રાફિક મળ્યો તો વંદે ભારત ટ્રેનની ફ્રિકવન્સી વડોદરા સુધી પણ વધારવામાં આવી શકે છે.
ભારતની ટ્રેનોમાં એન્જિનનો એક અલગ કોચ હોય છે, પરંતુ વંદે ભારત ટ્રેનમાં મેટ્રો ટ્રેન જેવું એક જ એન્જિન હોય છે. ટ્રેન 100 કિલોમીટરની સ્પીડ 52 સેકન્ડમાં પકડી લે છે. ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા લાગેલા છે. આ ટ્રેનમાં ભોજન અને નાશ્તો પણ આપવામાં આવે છે જેની કિંમત ટિકિટમાં સામેલ હોય છે. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખતા ટ્રેનને ઓનબોર્ડ વાઇફાઇની સુવિધાથી લેસ બનાવવામાં આવ્યું છે. સાથે જ દરેક સીટ નીચે મોબાઇલ અને લેપટોપ ચાર્જ કરવા માટે ચાર્જિંગ પોઇન્ટ આપવામાં આવ્યા છે. વંદે ભારત ટ્રેનમાં GPS પ્રણાલી લાગેલી છે, જેના માધ્યમથી આવનારા સ્ટેશન અને અન્ય સૂચનાઓની જાણકારી મળે છે.