ACB@સુરત: પાલિકાના બે લાંચિયા અધિકારીઓ 40 હજારની લાંચ લેતા ઝડપાયા, જાણો વિગત

 
ACB

અટલ સમાચાર, ડેસ્ક

સુરત શહેરમાં દિવાળી પહેલાં એન્ટી કરપ્શન બ્યુરોએ(ACB)એ સપાટો બોલાવી દીધી છે. એસીબીએ આજે સફળ ટ્રેપ ગોઠવીને બે લાંચિયા અધિકારીઓને રૂપિયા 40 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે. પાલિકાના અઠવા ઝોનના ઇલેક્ટ્રિકલ વિભાગના જુનિયર ઈજનેર પરેશ પટેલ અને મેન્ટેનન્સ આસિસ્ટન્ટ ડેનિસ બારડોલીયાએ એજન્સી દ્વારા કરવામાં આવેલ કામના નીકળતા 47.11 લાખનું બિલ બનાવવા અને ચુકવણું કરવા 20-20 હજારની લાંચ માંગી હતી.

એજન્સી ધરાવતા યુવકે સુરત એસીબીનો સંપર્ક કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું. એસીબીએ સફળ ટ્રેપ ગોઠવીને બંને લાંચિયા અધિકારીઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા કમ્પાઉન્ડમાં લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. સુરત એસીબીએ બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. એસીબીના સપાટાના પગલે અન્ય અધિકારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.