વહીવટ@દેશ: ગુજરાત કેડરના બે IAS અધિકારી દિલ્હી ડેપ્યુટેશન પર જશે, જાણો અહીં

 
IAS Deputation

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત કેડરના વધુ બે આઇએએસ અધિકારીને દિલ્હીનું તેડું આપવામાં આવ્યું છે. રાજ્યના બે આઇએએસ અધિકારી વિજય નેહરા અને મનીષ ભારદ્વાજ દિલ્હી ડેપ્યુટેશન પર જઇ રહ્યાં છે. કેન્દ્ર સરકારે વિધિવત ઓર્ડર કરતા બન્ને અધિકારી ગુજરાતને અલવિદા કહેશે. વિજય નેહરા નેશનલ ડિફેન્સ કોલેજમાં મુકાયા છે જ્યારે મનીષ ભારદ્વાજ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે મુકવામાં આવ્યા છે.

વિજય નેહરા 2001 બેચના IAS અધિકારી છે. વિજય નેહરાને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સની અંડર આવતા નેશનલ ડિફેન્સ કોલેજ (NDC)માં મુકવામાં આવ્યા છે. વિજય નેહરાને સીનિયર ડિરેક્ટિંગ સ્ટાફ(CS)ની પોસ્ટ પર મુકવામાં આવ્યા છે. વિજય નેહરા પશ્ચિમ બંગાળ બેચના IAS અધિકારી પ્રિયાંક ભારતીની જગ્યા લેશે. વિજય નેહરાને પાંચ વર્ષનું ડેપ્યુટેશન આપવામાં આવ્યું છે. વિજય નેહરાના દીકરાના ભવિષ્ય માટે તેમણે દિલ્હી પસંદ કર્યું હોવાનું જાણવા મળે છે.

મનીષ ભારદ્વાજને મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજીની અંડર આવતા યુનિક આઇડેન્ટિફાઇ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)માં મુકવામાં આવ્યા છે. મનીષ ભારદ્વાજ ડેપ્યુટી ડિરેક્ટર જનરલ (DDG)ની પોસ્ટ પર મુકવામાં આવ્યા છે.મનીષ ભારદ્વાજના IAS પત્નીને દિલ્હીમાં ડેપ્યુટેશન મળતા તેમણે પણ દિલ્હીમાં પોસ્ટીંગ આપવામાં આવશે તેમ નિશ્ચિત માનવામાં આવતું હતું.