ઘટના@રાજકોટ: ગોંડલની સબ જેલમાં બે કેદીઓએ એસિડ પીધું, એકનું સારવાર વચ્ચે મોત

 
Gondal Sub Jail

અટલ સમાચાર, ડેસ્ક

ગોંડલની સબ જેલમાં બે દિવસ પહેલાં કાચા કામના બે કેદીઓએ એસિડ ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. દુષ્કર્મ અને હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓએ એસિડ પીધું હતું. ત્યારે જેલર સહિતના અધિકારીઓે ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ગોંડલમાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ધોરાજીના દુષ્કર્મ કેસમાં પકડાયેલા આરોપી કમલેશ્વર પ્રસાદનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. જ્યારે જેતપુરમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા ત્રિલોકીરામ ચમાર નામના કેદીની હાલત ગંભીર છે.

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલી સબ જેલમાં કાચા કામના બે કેદીઓએ એસિડ ગટગટાવ્યું હતું. આ મામલે જેલ સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, સાફ-સફાઈ કામ માટે રાખવામાં આવેલું એસિડ કેદીઓએ પીધું છે. હાલ મૃતક કેદીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે. બે કેદીઓએ એસિડ પી લેતા જેલર સહિત સત્તાધારીઓ સામે અનેક સવાલ ઊભા થયા છે. સબ જેલમાં એસિડ કેદીઓ સુધી કેવી રીતે પહોંચ્યું તે અંગે પણ અનેક સવાલ ઊભા થયા છે.