ચિંતા@ઉ.ગુ.: આ તારીખે મહેસાણા-પાટણ-બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહી, જાણો એક જ ક્લિકે

 
Weather Department

અટલ સમાચાર, ડેસ્ક

હવામાન વિભાગ દ્વારા શનિવારે રાજ્યના આગામી 5 દિવસના હવામાન અંગે આગાહી કરવામાં આવી છે. જેમાં ત્રણ દિવસ માવઠાની અસર રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાદળછાયું વાતાવરણ રહેવાથી ગરમીનો પારો આગામી દિવસમાં સામાન્ય રહેવાની સંભાવના છે. રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની ફરી એકવાર સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ખેડૂતો પર આફતનું સંકટ ઉભું થયું છે.

રાજ્યમાં સોમવાર, મંગળવાર અને બુધવારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. કમોસમી વરસાદની સંભાવના સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત પર વધારે થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં ફરી કમોસમી વરસાદના એંધાણ 

હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ 13મીએ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દાહોદ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર અને કચ્છમાં કમોસમી વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 

આ સાથે ત્રણ દિવસની વરસાદની આગાહીમાં તારીખ 14મી અને 15મી માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત, તાપી, ડાંગ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર, પોરબંદર અને કચ્છમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં વીજળીના કડાકા અને 30-40 કિલોમીટરની ગતિ સાથે હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પર થવાની સાથે વરસાદની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.