ચિંતા@ગુજરાત: બેવડી ઋતુ વચ્ચે અંબાલાલ પટેલે કરી ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો વધુ

 
Monsoon Ambalal Patel

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. વહેલી સવારે અને રાત્રે ઠંડી તથા દિવસ દરમિયાન ગરમી લાગી રહી છે. આવામાં હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 48 કલાક લુધત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર થવાની સંભાવના નથી. જે બાદ ચાર ડિગ્રી જેટલો વધારો થતાં ઠંડી ઘટી શકે છે.

હવામાન વિભાગે વ્યક્ત કરેલી શક્યતા અનુસાર, ગુરુવારથી અમદાવાદમાં મહત્તમ તાપમાન 3થી 4 ડિગ્રી વધી 37 ડિગ્રીએ પહોંચી શકે છે. ગઇકાલે રવિવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 2.4 ડિગ્રી વધી 32.8 ડિગ્રીએ અને લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રીએ પહોંચ્યું હતું. ઉત્તર-પૂર્વીય ઠંડા પવનના લીધે અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં બેવડી ઋતુ જોવા મળી રહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં હજુ ઠંડીનો થોડો ચમકારો અનુભવાશે. ઠંડી અંગે હવામાન વિભાગે કરી આગાહી કરતા જણાવ્યુ છે કે, આગામી 48 કલાક તાપમાન યથાવત રહેશે. 48 કલાક બાદ તાપમાનમાં ઘટાડો થઇ શકે છે. તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધી ઘટાડો થઇ શકે છે. તાપમાનમાં ઘટાડા સાથે આંશિક ઠંડી પણ વધશે.

હવામાન નિષ્ણાત અંબાલાાલ પટેલે ફેબ્રુઆરીનાં અંતિમ સપ્તાહમાં ચાર દિવસ માવઠાની પણ આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કહ્યું હતું કે, 13મી ફેબ્રુઆરીએ એટલે આજે વાદળછાયું વાતાવરણ રહેશે. 19 ફેબ્રુઆરીથી ગરમીનો પ્રકોપ જણાશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાન 38 ડિગ્રી થવાની સંભાવના છે. માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચી જશે. અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે રાજ્યમાં ધીમે ધીમે ગરમી વધવાની હવે શરૂઆત થઈ રહી છે અને ધીમે-ધીમે ગરમીનું પ્રમાણ વધશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમી સાથે ગુજરાતમાં ફરી માવઠાની આગાહી પણ કરી છે. તેમણે જણાવ્યુ છે કે, 22થી 26 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ પડશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. જેના કારણે ખેડૂતોમાં ફરીથી ચિંતાનાં વાદળ છવાયા છે.