વાતાવરણ@ગુજરાત: રાજ્યમાં માવઠાનો માર, સવારે બે કલાકમાં 36 તાલુકામાં કમોસમી વરસાદ

 
Monsoon

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં ભરઉનાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ વરસ્યો છે. ખાસ કરીને આજે સવારે બે કલાકમાં રાજ્યના 36 તાલુકમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટના ગોંડલમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. જકોટડા સાંગાણી, જામ કંડોરણામાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢ, કોડિનાર, માંગરોળમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. બીજી બાજુ, કમોસમી વરસાદ વધુ આક્રમક બનશે. સૌરાષ્ટ્રમાં ગાજવીજ, પવનની તીવ્રતા વધશે. 

સૌરાષ્ટ્ર-કચ્છ તથા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તોફાની વરસાદની શક્યતા છે. હજુ પણ 4 દિવસ માવઠાની આગાહી છે. જુનાગઢમાં ભરઉનાળે વરસાદી માહોલ છવાયો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. જુનાગઢ, વિસાવદર સહિતના વિસ્તારોમાં અડધોથી દોઢ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. પડતા વાતવરણમાં ઠંડક પ્રસરી છે. રાજકોટ જિલ્લાનાં જેતપુર પંથકનાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરુ થયો હતો.

આ સાથે જેતપુર, રબારીકા, જાંબુડી, મેવાસા, હરીપર, ઉમરાળી, પ્રેમગઢ સહિતના ગ્રામ્ય પંથકમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદને કારણે તલ, મગ, અડદ, બાજરી, મગફળી, એરંડા સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. પોરબંદર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઘેડ પંથક અને બરડાના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે. ભોગસર, ગોસા, કાંસાબડ, ઠોયાણા સહિતના ગામોમાં માવઠું થયું છે. બરડાના બખરલા, નાગકા, અડવાણા સહિતના ગામોમાં વરસાદ છે. કમોસમી વરસાદથી મગ, બાજરીના પાકને નુકસાન પહોંચ્યું છે.

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીને લઈ ભાવનગર શહેરમાં પણ કમોસમી વરસાદી વરસ્યો છે. વહેલી સવારે શહેરનું વાતાવરણ બદલાતા અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. આણંદનગર, કરચલીયા પરા, સુભાષનગર, અકવાડા, રેલવે સ્ટેશન, બોર તળાવ સહિતના વિસ્તારમાં છુટોછવાયો વરસાદ વરસ્યો છે. ભાવનગર શહેર અને જિલ્લાનું વાતાવરણ બદલાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.