અપડેટ@ગુજરાત: આગામી 24 કલાક બાદ આ વિસ્તારોમાં થશે કમોસમી વરસાદ, જાણો શું છે આગાહી?

 
Rain

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં હાલ ઠંડી, ગરમી અને વરસાદ ત્રણેવ ઋતુઓનો અનુભવ થશે તેમ આગાહીમાં સામે આવ્યુ છે. ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં જ ગરમી પડી રહી છે. ત્યારે ગુજરાતમાં માવઠાનું સંકટ પણ તોળાઇ રહ્યુ છે. આજે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતના અનેક વિસ્તારોમાં બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની અગાહી પ્રમાણે, ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના કારણે ગુજરાતમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં માવઠાની અસર થઇ શકે છે.

બુધવારે હવામાન વિભાગ, અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગાહી આપી હતી. જેમા તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં 24 કલાક ડ્રાય વેધર રહેશે. જે બાદ પહેલી અને બીજી માર્ચના રોજ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતા છે. પહેલી માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હળવા વરસાદની શક્યતા દર્શાવાઈ રહી છે. આ સાથે જ સૌરાષ્ટ્રના દ્વારકા અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. આ સાથે તેમણે બીજી માર્ચના રોજ કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદ થવાની આગાહી કરી છે.

હવામાન વિભાગના રામાશ્રય યાદવે તાપમાનમાં ફેરફાર અંગે જણાવ્યુ કે, લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. બુધવારે અમદાવાદમાં 20 અને ગાંધીનગરમાં 19.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. જ્યારે આજે અમદાવાદમાં 20 અને ગાંધીનગરમાં 19 ડિગ્રી તાપમાન રહે તેવી આગાહી કરવામાં આવી છે. મોસમ વૈજ્ઞાનિકે ફેબ્રુઆરીમાં વરસાદ કેમ પડશે તેનું કારણ જણાવતા કહ્યુ છે કે, એક માર્ચના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યુ છે જે ઉત્તર ભારતને આવરી લેશે. જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. 

આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અમુક લહેર દક્ષિણ તરફ ગતિ કરવાના કારણે તે ગુજરાત સુધી લંબાય અને જેના કારણે 1 અને 2 માર્ચ દરમિયાન રાજ્યના ઘણાં જિલ્લામાં માવઠાનો વરસાદ થાય તેવી શક્યતાઓ પરેશ ગોસ્વામી વ્યક્ત કરી રહ્યા છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં માવઠાની શક્યતાઓ વ્યક્ત કરી છે તેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ ચાર જિલ્લામાં 1 અને 2 માર્ચ દરમિયાન માવઠું થઈ શકે છે. આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર સહિત સુરેન્દ્રનગર, મોરબીમાં પણ માવઠાનો માર સહન કરવો પડી શકે છે. વધુમાં હવામાન નિષ્ણાત જણાવે છે કે, આ સાથે મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં છાંટછૂટ થઈ શકે છે અને તે સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશના બોર્ડર વિસ્તારોમાં પણ માવઠાની અસર જોવા મળી શકે છે. આ દરમિયાન કચ્છ અને ઉત્તર ગુજરાત સૌથી વધુ પ્રભાવિત થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.