બ્રેકિંગ@સુરેન્દ્રનગર: ગમખ્વાર અકસ્માતમાં અપડેટ, મોરબીથી કડી જઈ રહ્યો હતો દરબાર પરિવાર, 4 લોકોના થયા મોત

 
Accident

અટલ સમાચાર, ડેસ્ક

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-જૈનાબાદ વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. દસાડા-જૈનાબાદ હાઇવે પર જતી સ્વિફ્ટ કારને માતેલા સાંઢની માફક આવતી ટ્રકે ધડાકાભેર ટક્કર મારી હતી. જેમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. મળતી માહિતી મુજબ મોરબી પાસેના વિરપરાડા ગામના દરબારો સ્વિફ્ટ ગાડી લઈને દેત્રોજ લોકાચારે જઈ રહ્યા હતા, ત્યારે પાટડી તાલુકાના જૈનાબાદ અને દસાડા વચ્ચે વણાંક પાસે માતેલા સાંઢની માફક આવતી રાજસ્થાન પાસિંગની ટ્રકે સ્વિફ્ટ કારને ધડાકાભેર ટક્કર મારી હતી.

ટ્રકે સ્વિફ્ટ કારને મારેલી ટક્કર એટલી ભયંકર હતી કે કારનું પડીકું વળી ગયું હતું અને નજીકના ખેતરમાં જઇને ખાબકી હતી. જેમાં સવાર ચાર લોકો કારમાં જ દબાઇ જતાં ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિકો એકઠા થઇ ગયા હતા. સ્થાનિકોએ પોલીસ અને 108ને જાણ કરી હતી. જાણ થતાં જ દસાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાટડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ થઇ ગઇ છે અને આરટીઓમાં આ સ્વિફ્ટ ગાડી કુલદીપસિંહ પરમારના નામે બોલતી હોવાનું સામે આવ્યું છે.

આ અંગે દસાડા પીએસઆઇ વી.આઈ.ખડિયાએ જણાવ્યું કે, આ ચારેય મૃતકો મોરબી જિલ્લાના છે. એમાંથી ત્રણ લોકો દેત્રોજ પાસેના કુકવાવ ગામના જમાઈ છે. રાત્રે કુકવાવ પાસે અકસ્માતમાં એમના સાસરી પક્ષમા કોઈ વ્યક્તિનું મોત નીપજ્યું હતું. એની લૌકિક ક્રિયામાં આ ચારેય દરબારો દેત્રોજના કુકવાવ ગામે જઈ રહ્યા હતા. ત્યારે આ અકસ્માતમાં ગાડીમાં સવાર ચારેય લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. આ ચારેય મૃતકો એક જ પરિવારના નહીં પણ અલગ અલગ પરિવારના છે.

મૃતકોનાં નામ

ઇન્દ્રજિતસિંહ જટુભા ઝાલા (ઉંમર વર્ષ 22, રહે. મોડપર, મોરબી)

મુક્તરાજ કલુભા ઝાલા (ઉંમર વર્ષ 34, રહે. મોડપર, મોરબી)

સિદ્ધરાજસિંહ પાંચુભા જાડેજા (ઉંમર વર્ષ 33, રહે. વીરપરડા, મોરબી)

વિજયભાઈ મોમજીભાઈ મુછડિયા (ઉંમર વર્ષ 25, રહે. ઇન્દિરાનગર-મહેન્દ્રનગર મોરબી)