દુર્ઘટના@ગાંધીનગર: મેશ્વો નદીમાં ગણેશવિસર્જન સમયે 10 લોકો ડૂબ્યા, 8ના મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ પાસે મેશ્વો નદીમાં ગણેશવિસર્જન સમયે 10 લોકો ડૂબ્યા, આઠના મોત થયાં છે, જ્યારે અન્ય બેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં ગણેશવિસર્જન દરમિયાન બનેલી આ ચોથી દુર્ઘટના છે, જેમાં કુલ 15 લોકોનાં મોત નીપજી ચૂક્યાં છે.
દહેગામના વાસણા સોગઠી ગામ પાસેથી પસાર થતી મેશ્વો નદીમાં આજે ગણેશવિસર્જન સમયે જ 10 લોકો ડૂબ્યા હતા. જેની જાણ થતાં જ દહેગામ ફાયરબ્રિગેડની ટીમ અને બહિયલ તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. આઠ લોકોની લાશ મળી આવી હતી. જ્યારે અન્ય 2 લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ગણેશવિસર્જન સમયે અકસ્માતે 10 લોકો ડૂબ્યા બાદ સ્થાનિકો અને ફાયર જવાનો દ્વારા 8 યુવકોના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા છે. જ્યારે અન્ય 2 લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા હોય તેઓની શોધખોળ માટે NDRFની ટીમ પણ બોલાવવામાં આવી છે. પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
દહેગામના વાસણા સોગઠી ગામ પાસેથી પસાર થતી નદીમાં ડૂબી ગયેલા 10 પૈકીના 8ના મૃતદેહો મળી આવતા પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. દુર્ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળ પર લોકોના ટોળા એકઠા થયા હતા.