ધાર્મિક@ગુજરાત: બાળગોપાલની પૂજામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ? જાણે મુહૂર્ત અને પૂજા વિધિ

જન્માષ્ટમી કેવી રીતે ઊજવવી?
 
ધાર્મિક@ગુજરાત: બાળગોપાલની પૂજામાં 10 બાબતનું ધ્યાન રાખો, મુહૂર્ત અને પૂજા વિધિ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હિંદુ ધર્મમાં જન્માષ્ટમી પર્વ પ્રમુખ તહેવારોમાંનું એક છે. જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઊજવવામાં આવે છે, જે આ વર્ષે 26મી ઓગસ્ટને સોમવારે ઊજવવામાં આવશે. દ્વાપરયુગમાં ભગવાન વિષ્ણુએ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણ તરીકે અવતાર લીધો હતો. આ વખતે જન્માષ્ટમી પર સોમવાર અને રોહિણી નક્ષત્રના સંયોગને કારણે સર્વાર્થસિદ્ધિ યોગ બની રહ્યો છે. તદુપરાંત આ વખતે જયંતી યોગ, રોહિણી નક્ષત્ર, સોમવાર અને વૃષભ ચંદ્રનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ યોગ 5251 વર્ષ પહેલાં શ્રી કૃષ્ણના જન્મ સમયે બન્યો હતો, તેથી આ યોગમાં કરવામાં આવતી પૂજા અખૂટ પુણ્ય મળે છે.

શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર છે. દ્વાપરયુગમાં જ્યારે અધર્મ વધી રહ્યો હતો ત્યારે ભગવાન વિષ્ણુએ ધર્મની સ્થાપના કરવા માટે શ્રીકૃષ્ણ તરીકે અવતાર લીધો હતો. શ્રીકૃષ્ણના કારણે કંસ, જરાસંધ, કાલયવન જેવા રાક્ષસોનો નાશ થયો. પાંડવોને મદદ કરીને, ભગવાને અધર્મી કૌરવ વંશનો નાશ કર્યો. ભગવાન કૃષ્ણની ઉપાસનામાં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. જાણો જન્માષ્ટમી પર પૂજા કરવાની પદ્ધતિ અને એની સાથે જોડાયેલી તમામ માહિતી.


26મી ઓગસ્ટે શહેરનાં મંદિરોમાં ભગવાન શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. જન્માષ્ટમીના દિવસે જયંતી યોગ, રોહિણી નક્ષત્ર, સોમવાર અને વૃષભ ચંદ્રનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ યોગ 5251 વર્ષ પહેલાં શ્રીકૃષ્ણના જન્મ સમયે બન્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ સોમવારે મધ્યરાત્રિએ રોહિણી નક્ષત્ર અને અષ્ટમી તિથિના સંગાથે જયંતી નામના યોગમાં થયો હતો. આ વખતે પણ એ જ સંયોગ રચાયો છે. શ્રીકૃષ્ણનો જન્મ આઠમા અવતાર તરીકે, આઠમા મન્નુ વૈવસ્વતના મન્વંતરના 28મા દ્વાપરમાં શ્રાવણના કૃષ્ણ પક્ષની અષ્ટમીના રોજ આઠમા મુહૂર્તમાં મધ્યરાત્રિએ જયંતી નામના યોગમાં અને રોહિણી નક્ષત્ર થયો હતો, જ્યારે ચંદ્ર વૃષભ રાશિમાં ઉચ્ચ સ્થાને બિરાજમાન હતા. એ દિવસે સોમવાર હતો, વર્તમાનમાં પણ એ જ સંયોગ રચાયા છે.

જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યા અનુસાર, આ વખતે 26 ઓગસ્ટને સોમવારે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે જયંતી યોગ હશે. જ્યારે રોહિણી બપોરે 3:55થી શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 27 ઓગસ્ટે બપોરે 3:38 વાગ્યે સમાપ્ત થશે. જ્યારે અષ્ટમી તિથિ 26 ઓગસ્ટના રોજ સવારે 3:39 કલાકે શરૂ થશે અને બીજા દિવસે 27મી ઓગસ્ટના રોજ સવારે 2:19 કલાકે સમાપ્ત થશે. આ દિવસે વૃષભ રાશિમાં ગુરુ સાથે ચંદ્રનો યુતિ થવાથી ગજકેસરી નામનો શુભ યોગ પણ બનશે. મંગળ મિથુન રાશિમાં ગોચર કરશે અને બુધ કરકમાં ઉદય કરશે. આ દિવસે શનિ પોતાની રાશિના કેન્દ્રમાં હોવાને કારણે શશ રાજ યોગ પણ બની રહ્યો છે, તેથી શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર પંડિતોને દક્ષિણા દાન કરવી શુભ રહેશે.


હિંદુ ધર્મમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. આ દિવસે ભગવાન વિષ્ણુજીના આઠમા અવતાર રૂપે શ્રીકૃષ્ણ ભગવાને જન્મ લીધો હતો. આ શુભ અવસરે લાડુ અને શાલિગ્રામની વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે. એનો અભિષેક પણ કરવામાં આવે છે. માન્યતા અનુસાર ભગવાન કૃષ્ણના બાળગોપાલ સ્વરૂપની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આશીર્વાદ મળે છે અને ધાર્યાં કામ પણ સફળ થાય છે.


જન્માષ્ટમીના દિવસે સવારે સ્નાન કરો. ઉપવાસ અને પૂજા કરવાની પ્રતિજ્ઞા લો. દિવસભર પાણી અથવા ફળો આરોગો. ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિને પાત્રમાં રાખો. પહેલા મૂર્તિને દૂધ, પછી દહીં, પછી મધ અને ખાંડ ને છેલ્લે ઘીથી પંચામૃત સ્નાન કરાવો. ત્યાર પછી કાનાને જળથી સ્નાન કરાવો. ધ્યાન રાખો કે જે વસ્તુઓ અર્પણ કરવાની હોય એને શંખમાં મૂક્યા પછી જ અર્પણ કરવી જોઈએ. પૂજા કરનારી વ્યક્તિએ આ દિવસે કાળાં કે સફેદ વસ્ત્રો ન પહેરવાં જોઈએ. મંત્રનો જાપ કરો. પ્રસાદ ગ્રહણ કરો અને અન્ય લોકોમાં પણ વહેંચો.


વિષ્ણુ અને બ્રહ્માપુરાણ મુજબ, ભગવાન વિષ્ણુ યોગ માયા એટલે કે દેવીને કહે છે કે વર્ષાઋતુમાં મારો જન્મ શ્રાવણ મહિનાના વદ પક્ષની આઠમની રાત્રે થશે અને તમે નોમના દિવસે પ્રગટ થશો. બ્રહ્મવૈવર્તપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનાના વદ પક્ષની આઠમ તિથિએ રાત્રે શુભ લગ્નમાં શુભ ગ્રહોની દૃષ્ટિ હતી. એ સમયે આઠમ તિથિ અને રોહિણી નક્ષત્રના સંયોગથી જયંતી નામનો યોગ બની રહ્યો હતો. ત્યાર બાદ શ્રીકૃષ્ણનો જન્મ વૃષભ લગ્નમાં થયો હતો.

ભવિષ્યપુરાણ પ્રમાણે ભગવાન કહે છે કે જે સમયે સિંહ રાશિમાં સૂર્ય અને વૃષભ રાશિમાં ચંદ્ર હતો, તે શ્રાવણ મહિનાના વદ પક્ષની આઠમે અડધી રાતે રોહિણી નક્ષત્રમાં મારો જન્મ થયો.અગ્નિ પુરાણ પ્રમાણે શ્રાવણ મહિનાના વદ પક્ષ દરમિયાન રોહિણી નક્ષત્ર સાથે આઠમ તિથિએ જ અડધી રાતે ભગવાન શ્રીકૃષ્ણ પ્રકટ થયા હતાં. એટલે આ આઠમ તિથિએ તેમની જયંતી ઉજવાય છે. દેવીભાગવત પુરાણ પ્રમાણે શ્રાવણ મહિનાના વદ પક્ષની આઠમ તિથિ, રોહિણી નક્ષત્ર અને વૃષભ લગ્નમાં રાતે ભગવતીએ દેવકીના ગર્ભમાંથી પરમ પુરૂષ તરીકે જન્મ લીધો હતો.હરિવંશ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે ભગવાન કૃષ્ણના જન્મ સમયે અભિજિત નક્ષત્ર, જયંતી યોગ અને વિજય મુહૂર્ત હતું.


મથુરામાં જન્મ પછી, બાળકૃષ્ણને કંસથી બચાવવા પિતા વાસુદેવ દ્વારા ગુપ્ત રીતે ગોકુળમાં નંદરાયને ત્યાં લઈ જવાય છે. તેના હરખમાં બીજા દિવસે નવમીએ નંદરાયે સૌને આગલા દિવસના જન્માષ્ટમીના ઉપવાસના પારણાં રૂપે પતરાળામાં ભોજન આપ્યું અને ગવાયું: 'ગોકુળમાં આજ દિવાળી, પ્રગટ થયા વનમાળી.'

આ ઉપરાંત કૃષ્ણનો જમવાની 'પતરાળી' સાથે બીજી રીતે પણ સંબંધ છે. 'ઈન્દ્રપ્રસ્થમાં' યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ પ્રસંગે શ્રીકૃષ્ણે જાતે પત્રાળી ઊંચકી હતી. ભક્ત નરસિંહ મહેતાએ નાગરોની નાત જમાડી ત્યારે પણ શ્રીકૃષ્ણે છૂપાવેશે પતરાળીઓ ઊંચકેલી. આમાંથી જન્માષ્ટમીના બીજા દિવસે 'પતરાળી' જમવાનો મહિમા સ્થપાયો હતો.


‘પંચાજીરી’ (કે ‘પંજરી’) એટલે (1) સૂંઠ, (2) અજમો, (3) વરિયાળી, (4) ધાણા અને (5) જીરું એ પાંચ પદાર્થોના ભૂકામાં સાકર ભેળવીને કરાતું મિશ્રણ. આ પાંચેય પદાર્થો ‘ફરાળી’ ગણાય છે અને સાથે-સાથે તે પાચક અને આરોગ્યવર્ધક ગણાય છે. તેથી ઉપવાસ હોવા છતાં એનો પ્રસાદ તરીકે ઉપભોગ થાય છે. વળી ભગવાનને તો ઉપવાસ હોય નહીં, તેથી બાળગોપાળ આવો પ્રસાદ આરોગે એવી ભાવના વૈષ્ણવોમાં પ્રવર્તે છે.


બાળકૃષ્ણ તો ભારે નટખટ, તે તો બાળકો-ગોવાળિયાંઓ માટે મસ્તીખોર માખણચોર ગોઠિયા છે. બાળકૃષ્ણને ઊંચે શીકામાં મૂકેલી મટકીમાં રાખેલ દહીં-માખણ, મટકી ફોડીને કે ઊંચે ચઢીને પણ ચોરીછૂપીથી ખાવાની મજા પડતી. તે કોઈની આવી મટકી ફોડી નાખે તો પણ સૌ એના પર હેત વરસાવે. દહીં-માખણ તે એકલા ન ખાતા પણ સૌ ગોપ બાળકોને, વાંદરાઓને વહેંચી દેતા. દૂધ-દહીં-માખણનો સંગ્રહ ન કરાય. તેનું તો સૌને વિતરણ કરાય . ખાવુંને ખવડાવવું માખણચોરીની લીલા પાછળનું બાળકૃષ્ણનું આવું તત્ત્વજ્ઞાન છે. આવી મીઠાશ હોય ત્યાં નંદ-યશોદાનું ગોકુળિયું સર્જાય. બાળકૃષ્ણની આવી લીલાને અનુસરી આજે પણ જન્માષ્ટમીના દિવસે ઊંચે બાંધેલી દહીં-હાંડી ફોડાય છે.


કૌરવ-પાંડવો જુગાર રમતા. શ્રીકૃષ્ણની અનુમતિથી દુર્યોધને પાંડવોને જુગાર રમવા બોલાવેલા. જુગાર રમવામાં કૌરવો કપટ કર્યું હતું. કૌરવ-પાંડવો બે વાર જુગાર રમેલા. પહેલા જુગટામાં પાંડવો રાજપાટ હારી ગયા, વનવાસી થવું પડ્યું. વનવાસ પૂર્ણ થયા પછી પાંડવોને ઈન્દ્રપ્રસ્થનું રાજ્ય મળ્યું. દુર્યોધને ફરી જુગારનો દાવ ખેલ્યો, એમાં પાંડવો દ્રૌપદી સહિત બધું જ હારી ગયા. દુર્યોધન-દુઃશાસન દ્વારા દ્રૌપદીનું વસ્ત્રાહરણ થતાં શ્રીકૃષ્ણે ચીર પૂર્યાં. આમ શ્રીકૃષ્ણ જુગારના સાક્ષી બની રહ્યા. મહાભારત કાળથી જુગટું રમવાનો રિવાજ પ્રચલિત થયો. આ કારણોથી જન્માષ્ટમીએ પણ જુગાર રમાય છે.


શ્રાવણ વદ અષ્ટમીની રાત્રે બાર વાગે, દેવકીના આઠમા પુત્ર રૂપે મામા કંસના કારાગારમાં શ્રીકૃષ્ણનો જન્મ થવાનો હતો. શ્રીકૃષ્ણનો જન્મ નિર્વિઘ્ને થાય, એવી પ્રાર્થના અને પ્રતીક્ષા સાથે, એ જન્મને વધાવવા માટે આનંદોલ્લાસપૂર્વક દિવસભર ઉપવાસ કરવામાં આવે છે અને મધ્યરાત્રિએ જન્મ-પ્રાગટ્ય થયા પછી અથવા બીજા દિવસે નવમીએ પારણાં કરીને ઉપવાસ છોડવામાં આવે છે. વલ્લભાચાર્યે પણ શ્રીવિષ્ણુના કૃષ્ણ, વામન, નૃસિંહ અને રામ એ ચાર જન્મ પ્રસંગે ઉપવાસ કરવાનું કહ્યું છે.


જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણના શણગારમાં ફૂલોનો ઉપયોગ કરો. ભગવાનને પીળાં વસ્ત્રો અને ચંદનની સુવાસથી શણગારો. આમાં કાળા રંગનો બિલકુલ ઉપયોગ ન કરો. વૈજયંતી માલા અને પુષ્પો ભગવાનને અર્પણ કરવામાં આવે તો શ્રેષ્ઠ રહેશે. જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણને પંચામૃત અવશ્ય ચઢાવો. તેમાં તુલસીનાં પાન પણ અચૂક મૂકો. સૂકાં ફળો, માખણ અને મિસરી ધરાવી શકાય છે, કેટલીક જગ્યાએ પંજરી પણ ધરાવવામાં આવે છે.

પૂજામાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું

  • ભગવાન શ્રીકૃષ્ણની પૂજામાં ભોજન વખતે તુલસીના પાન અવશ્ય રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે ભગવાન તુલસી વિના પ્રસાદ સ્વીકારતા નથી. તુલસીને વિષ્ણુ પ્રિયા કહેવામાં આવે છે. તેથી કૃષ્ણ પૂજામાં તુલસી રાખવી ફરજિયાત છે.
  • શ્રી કૃષ્ણની પૂજામાં મોર પીંછા, વૈજયંતી માળા, દક્ષિણાવર્તી શંખ, ગાય માતાની મૂર્તિ, માખણ-સાકર અને વાંસળી પણ રાખવી જોઈએ. જન્માષ્ટમીની રાત્રે પૂજા સમયે ભગવાનને ઝૂલાવવાની પરંપરા છે.
  • શ્રી કૃષ્ણને દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો. કેસર મિશ્રિત દૂધથી શંખ ભરીને ભગવાનને સ્નાન કરાવો. દૂધ પછી ભગવાનને શુદ્ધ જળથી અભિષેક કરો. તમે પાણીમાં તુલસીના પાન પણ નાખી શકો છો. આ પછી ભગવાનને નવા વસ્ત્રો, હાર અને ફૂલોથી શણગારો. ચંદનનું તિલક લગાવો. અબીર, ગુલાલ, મોરના પીંછા, માળા, માખણ-મિશ્રી, તુલસી વગેરે પૂજા સામગ્રી ભગવાનને અર્પણ કરો. કૃં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો અને અગરબત્તી પ્રગટાવીને આરતી કરો.
  • સોમવાર અને જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણની સાથે ભગવાન શિવનો પણ અભિષેક કરવો જોઈએ. તાંબાના વાસણમાંથી શિવલિંગને જળ ચઢાવો. શિવલિંગને બિલ્વના પાન, ધતુરા, અંજીરના ફૂલ અને ગુલાબથી શણગારો. ચંદનની પેસ્ટ લગાવો. ધૂપ અને દીવા પ્રગટાવો. મીઠાઈઓ અર્પણ કરો. આરતી કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો.
  • માતા ગાય ભગવાન કૃષ્ણને પ્રિય માનવામાં આવે છે, તેથી ભગવાન કૃષ્ણની પૂજા કર્યા પછી, ગૌશાળામાં ગાયોની સંભાળ માટે પૈસા દાન કરો. ગાયોને લીલું ઘાસ ખવડાવો.
  • શ્રીકૃષ્ણએ પોતે ગોવર્ધન પર્વતને પૂજનીય ગણાવ્યો છે. તેથી આ તહેવાર પર ગિરિરાજની વિશેષ પૂજા પણ કરવી જોઈએ. જો શક્ય હોય તો, તમે આ દિવસે ગોવર્ધન પર્વતની પરિક્રમા કરી શકો છો.


શ્રાવણ વદ અષ્ટમીની રાત્રે બાર વાગે, દેવકીના આઠમા પુત્ર રૂપે મામા કંસના કારાગારમાં શ્રીકૃષ્ણનો જન્મ થવાનો હતો. શ્રીકૃષ્ણનો જન્મ નિર્વિઘ્ને થાય, એવી પ્રાર્થના અને પ્રતીક્ષા સાથે, એ જન્મને વધાવવા માટે આનંદોલ્લાસપૂર્વક દિવસભર ઉપવાસ કરવામાં આવે છે અને મધ્યરાત્રિએ જન્મ-પ્રાગટ્ય થયા પછી અથવા બીજા દિવસે નવમીએ પારણાં કરીને ઉપવાસ છોડવામાં આવે છે. વલ્લભાચાર્યે પણ શ્રીવિષ્ણુના કૃષ્ણ, વામન, નૃસિંહ અને રામ એ ચાર જન્મ પ્રસંગે ઉપવાસ કરવાનું કહ્યું છે.