દુર્ઘટના@બાવળા-બગોદરા: ચોટીલાથી પરત આવતા 11 શ્રદ્ધાળુઓને કાળ ભરખી ગયો,જાણો વધુ વિગતે

ગમખ્વાર અકસ્માતમાં પાંચ મહિલા અને બે બાળકો સહિત દસ લોકોના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજ્યા
 
દુર્ઘટના@બાવળા-બગોદરા: ચોટીલાથી પરત આવતા 11 શ્રદ્ધાળુઓને કાળ ભરખી ગયો,જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે.હાલમાં તથ્યકાંડનિ ઘટના પછી ફરી અમદાવાદ નજીક બાવળા-બગોદરા હાઇવે પર ભયાનક દુર્ઘટના ગટી છે.જેમાં કેટલાક લોકો મેતાને ભેટ્યા અને કેટલાકને ઈજા પહોચી છે.અમદાવાદ નજીક બાવળા-બગોદરા હાઇવે પર શુક્રવારે સવારે દસ વાગ્યાની આસપાસના સુમારે ચોટિલાથી બાધા પૂરી કરીને પોતાના વતન પરત જઈ રહેલા દર્શનાર્થીઓ ભરેલી મિની ટ્રક(છોટા હાથી) રસ્તા પર પંચરને કારણે પાર્ક કરેલા ટ્રકની પાછળ ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માતમાં પાંચ મહિલા અને બે બાળકો સહિત દસ લોકોના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા જ્યારે 13 લોકોને ઇજા થઈ હતી.મોડી રાત્રે અસારવા સિવિલમાં સારવાર બાદ છોટા હાથીના ડ્રાઈવર પ્રવિણભાઈ ઉર્ફે પરેશભાઈનું મૃત્યુ નિપજતા કુલ મૃત્યુઆંક 11 થયો છે. કપડવંજ અને બાલાસિનોરના તમામ મૃતકોનું પીએમ કરી તેઓની લાશને તેમના વતન મોકલવામાં આવી હતી. બગોદરા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મિની ટ્રકમાં સવાર 23 લોકો ચોટિલાથી બાધા પૂર્ણ કરીને દર્શન કરીને કપડવંજના સુણદા ગામ ખાતે જઇ રહ્યા હતા ત્યારે આ મિની ટ્રક બગોદરાથી બાવળા રોડ પરના મીઠાપુર પાટિયા પાસે પહોંચતા જ ડ્રાઇવરની ભૂલને કારણે ઊભેલી ટ્રક સાથે અથડાઈ હતી. બનાવને પગલે હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા બગોદરા, બાવળા અને ચાંગોદર પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવી લેવામાં આવ્યો હતો.

સમગ્ર બનાવની વિગતો એવી છે કે, કપંડવંજના સુણદા અને બાલાસિનોરમાં રહેતા ૨૩ જેટલા લોકો મિની ટ્રકમાં ગુરૂવારે ચોટિલા ખાતે બાધા પૂરી કરવા અને દર્શન કરવા માટે ગયા હતા. જેમાં પુરૂષોની સાથે સાથે મહિલાઓ અને બાળકો પણ હતા. આ તમામ લોકો શુક્રવારે સવારે નવ વાગ્યે ચોટિલાથી દર્શન કરીને મિની ટ્રકમાં બેસીને વતન જઇ રહ્યા હતા ત્યાં આશરે 10:45ની આસપાસ બગોદરાથી બાવળા જતા રોડ પરના મીઠાપુર પાસે અચાનક પાર્ક કરેલી ટ્રક મિની ટ્રકના ડ્રાઇવરને નજરે પડી હતી, પણ તે કંઇ સમજે તે પહેલા મોડુ થઇ ચૂક્યું હતું અને મિની ટ્રક ધડાકાભેર ટ્રક સાથે અથડાયો હતો. આ અકસ્માત એટલો ખતરનાક હતો કે ડ્રાઇવર સાથે બેઠેલા લોકો રીતસરના દબાઇ ગયા હતા. જ્યારે મિની ટ્રકમાં પાછળના ભાગે બેઠેલા લોકોને તીવ્ર આંચકો લાગતા એકબીજા પર પછડાતા માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને કેટલાંક ઉછળીને નીચે પટકાયા હતા. સ્થાનિક લોકોએ ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. જોકે, ડ્રાઇવર અને તેની સાથે બેઠેલા અન્ય બે લોકો ફસાઇ જતા ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. ફેદરા, ધંધુકા, બાવળા, બગોદરા, બરવાળાની આશરે છ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી લેવાઇ હતી. 108ના સ્ટાફ દ્વારા ૨૦ જેટલા ઈજાગ્રસ્તોને બગોદરા આરોગ્ય કેન્દ્રમાં જ્યારે અન્યને અમદાવાદ સોલા અને અસારવા સિવિલ લાવવામાં આવ્યા હતા. બગોદરા પોલીસે આ મામલે બંને વાહનના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલા હતભાગીઓ

# રઇબેન માધાભાઇ ઝાલા આશરે ઉ.વ.૪૦ રહે. ગામ સુણદા તા.કપડવંજ જિ.ખેડા

# પ્રહલાદભાઇ મહેન્દ્રભાઇ ઝાલા આશરે ઉ.વ.૩૦ રહે. ગામ સુણદા તા.કપડવંજ જિ.ખેડા

# કાન્તાબેન જુવાનસંગ ઝાલા આશરે ઉ.વ.૪૫ રહે. ગામ સુણદા તા.કપડવંજ જિ.ખેડા

# વૃષ્ટીકા હીંમતભાઇ ઝાલા આશરે ઉ.વ.૯ રહે. ગામ સુણદા તા.કપડવંજ જિ.ખેડા

# ગીતાબેન હીંમતભાઇ ઝાલા આશરે ઉ.વ.૩૫ રહે. ગામ સુણદા તા.કપડવંજ જિ.ખેડા

# વિશાલ હિંમતભાઇ ઝાલા આશરે ઉ.વ.૧૨ રહે. ગામ સુણદા તા.કપડવંજ જિ.ખેડા

# અભેસંગ ભેમસંગભાઇ સોલંકી આશરે ઉ.વ.૫૫ રહે.ભાથલા

# જાનકીબેન જેસંગભાઇ સોલંકી આશરે ઉ.વ.૯ રહે.ભાથલા

# શાંતાબેન અભેસંગભાઇ સોલંકી આશરે ઉ.વ.૫૦ રહે.ભાથલા

# લીલાબેન બાલાજી પરમાર આશરે ઉ.વ.૫૫ રહે.મહાદેવપુરા, કઠલાલ

# (ડ્રાઈવર) પ્રવિણભાઈ ઉર્ફે પરેશભાઈ

અકસ્માતના ઈજાગ્રસ્તો

માધાભાઇ ઝાલા, પ્રવિણભાઇ ઉર્ફે પરેશભાઇ કાનાભાઇ ઝાલા, આરતીબેન સોલંકી, હિંમતભાઇ કાળુસિંહ ઝાલા, સોનલબેન, બાબુભાઇ સોલંકી, વિપુલભાઇ, રાજુભાઇ માધાભાઇ ઝાલા, રાજવીર જેસીંગભાઇ સોલંકી, સુનીલભાઇ મુકેશભાઇ ઝાલા, વિહાની, સોનલબેનની દિકરી, વિજય ઝાલા

રામ રાખે તેને કોણ ચાખે: બે બાળકોનો આબાદ બચાવ

આ અકસ્માતમાં બે માસુમ બાળકોનો આબાદ બચાવ થયો હતો. એક દોઢ વર્ષની અને બીજી છ માસની બાળકીને સામાન્ય ઇજા થઇ હતી. બન્ને બાળકીમાંથી એકના પિતાનું મૃત્યુ અને એક બાળકી માતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. માતા-પિતાને યાદ કરતા બગોદરા આરોગ્ય કેન્દ્રની નર્સ અને સ્ટાફે સતત તેમને હૂંફ આપી હતી.

બંને ચાલકની બેદરકારી

આ અકસ્માતની ઘટના માટે પહેલા તો સાઇડમાં ઉભેલા ટ્રકના ચાલકની બેદરકારી છે. ટ્રક રોડ ઉપર પાર્ક કરી પાર્કિંગ લાઇટ ચાલુ નહીં રાખવી, પાર્કીંગ રિફ્લેક્ટર કે કોઇ આડાશ નહીં કરી અને સાઇન દર્શાવતા બોર્ડ ન મૂકી બેદરકારી દાખવી હતી. મિની ટ્રકના ડ્રાઇવરે વધારે પડતા પેસેન્જરો બેસાડી વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી અકસ્માત સર્જતા તેની પણ બેદરકારી મનાય રહ્યું છે.

બે લોકો સામે ગુનો નોંધાયો

સુણદા ગામના વિજય ઝાલાના મિત્ર વિપુલભાઇએ તેમના પિતાજીની તબિયત નાદુરસ્ત રહેતી હોવાથી ચામુંડા માતાની બાધા રાખી હોવાથી તેઓએ તમામ લોકોને આવવાનું કહ્યું હતું. ગામના પ્રવિણભાઇ ઉર્ફે પરેશભાઇનું ડાલુ લઇને કુલ ૨૩ માણસો ચોટિલા દર્શન કરવા ગયા હતા. ત્યાંથી સવારે પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં રોડ પર ઉભેલી ટ્રકના ચાલક અને અકસ્માત કરનાર વાહનના ચાલક એમ બંને સામે IPC 279, 304, 308, 337, 338, 283 અને MV એક્ટ 177, 184 મુજબ ગુનો નોંધ્યો છે. - અમિત વસાવા (એસપી, અમદાવાદ ગ્રામ્ય)

PM મોદીએ શોક વ્યક્ત કરી મૃતકોને બે લાખ, ઘાયલોને રૂ. ૫૦ હજાર સહાય જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના અમદાવાદમાં બાવળા-બગોદરા હાઈવે પર માર્ગ દૂર્ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કરી શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી ઘાયલો જલદી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાને PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50 હજાર આપવાની પણ જાહેરાત કરી હતી.

CM ભૂપેન્દ્ર પટેલ, પ્રમુખ પાટીલે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કરતાં લખ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલા અકસ્માતની ઘટના હૃદયવિદારક છે. ઈશ્વર આ દૂર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોનાં પરિવારજનોની સાથે છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે પણ આ ઘટના અંગે દુખ વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને સંવેદના વ્યક્ત કરી હતી.