રિપોર્ટ@વડોદરા: ડ્રગ્સ કેસમાં આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર

ડ્રગ્સ સાથે ઝડપાયેલા 2 આરોપીઓને પોલીસે સાવલી ખાતે કોર્ટમાં રજૂ કર્યા હતા.
 
રિપોર્ટ@વડોદરા: ડ્રગ્સ કેસમાં આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ડ્રગ્સના કેસ ખુબજ વધી ગયા છે. વડોદરાના સાવલી તાલુકાના મોક્સી ગામ પાસેથી ઝડપાયેલા રૂપિયા 3.50 કરોડના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયેલા 2 આરોપીઓને આજે પોલીસે સાવલી ખાતે કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે ગુનાની ગંભીરતા જોઇને 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લા એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, સાવલી તાલુકાના મોકસી ગામની સીમમાં રાણીયા જવાના રસ્તા પર જગદીશ મહિડા પોતાના ખેતરમાં મૂળ બિહારના વતની અને હાલમાં વડોદરામાં રહેતા પ્રેમચંદ મંહતો સાથે આવેલ અવાવરૂ ખેતરના ઝૂંપડા, મકાનોમાં ડ્રગ્સનો કાળો કારોબાર કરી રહ્યો છે. આ બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમે મોડી રાત્રે બેટરીના અજવાળાના સહારે મોકસી ગામની સીમમાં દરોડો પાડ્યો હતો.

મધરાત સુધી ચાલેલી આ કાર્યવાહીમાં શંકાસ્પદ સિંથેટિક ડ્રગ્સના જથ્થો મળી આવતા એસઓજી પોલીસે એફએસએલની મદદ લીધી હતી. નશાકારક પદાર્થ મેફેડ્રોન સિંથેટિક ડ્રગ્સના જથ્થો જણાંતાં એસઓજીની ટીમે જગદીશભાઈ જીતસિંહ મહીડા (રહે. મોક્સી, મકાન નંબર 1588, જલારામ કોલોની, તા. સાવલી, જી, વડોદરા) તથા મૂળ બિહારના ઓરંગાબાદ જિલ્લાના દેવ તાલુકાના કુંડા ગામના વતની તથા વડોદરાના ગોરવા – પંચવટી વિસ્તારમાં રહેતા પ્રેમચંદકુમાર હરીનારીયણ મહંતોની અટકાયત પણ કરી હતી.

આરોપીઓ સામે ભાદરવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને મંજુસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરે તપાસ શરૂ કરી હતી. પોલીસે આજે જગદીશ જીતસિંહ મહીડા તથા પ્રેમચંદકુમાર મંહતોને સાવલી કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરતી અરજી કરી હતી. જે બાબતે પોલીસ તથા સરકારી વકીલોની દલીલોને ધ્યાનમાં લઇને અદાલતે ગુનાની ગંભીરતા જોઇને બંન્નેના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

આ ગુનાના કામમાં વડોદરાના ગોરવા સમતા વિસ્તારમાં રહેતા ગુનામાં ચીરાગ ગિરીશભાઇ પટેલ, બિહારના ઔરંગાબાદ ના વિપુલસિંગ તથા વિપુલસિંગની સાથે આવેલ અન્ય એક વ્યક્તિની પોલીસે શોધખોળ શરૂ કરી છે. આ ઉપરાંત આ ટોળકી યુવાધનને બરબાદ કરતાં આ ડ્રગ્સનો કેટલા સમયથી વેપલો કરી રહી છે?, તેનુ અત્યાર સુધી કેટલુ ઉત્પાદન કરી ચૂક્યા છે? તેઓએ તેનું ક્યાં ક્યાં વેચાણ કર્યું છે?, તેનું રોમટીરીયલ ક્યાંથી મંગાવવામાં આવી રહ્યુ છે? જેવા અનેક સવાલો સાથે પોલીસે બંન્નેની પૂછપરછ શરૂ કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સાવલી તાલુકામાં મોકસી ખાતે થી ગુજરાત ATSએ દરોડા પાડી ડ્રગ્સ બનાવતી મીની ફેક્ટરી ઝડપી પાડી કરોડો રૂપિયાનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. ત્યાર પછી વધુ એકવાર જિલ્લા એસ.ઓ.જી ની ટીમે મોકસી ગામની સીમમાં આવેલ અવાવરું ખેતરમાં ચાલતા ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કરી ડ્રગ્સ બનાવવાની મશીનરી અને રોમટીરિયલનો વિપુલમાત્રા જથ્થો ઝડપી પાડ્યો છે. આ બંન્ને વચ્ચે કોઇ તાણાંવાણાં વણાયેલા છે કે કેમ? તે બાબતે પણ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.