બનાવ@ગુજરાત: અલગ-અલગ ઘટનામાં ડૂબી જવાથી 13ના મોત, 4ની શોધખોળ ચાલુ

પાર નદીમાં ડૂબતાં એકનું મોત
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં મોતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મોતની ઘટનાઓ સામે આવતી હોય છે.  ધૂળેટીના દિવસે ધૂળેટી રમ્યા બાદ નહેરો, નદી, તળાવોમાં જઈને ન્હાવાનો ક્રેજ વધ્યો છે.‌ ત્યારે સુરક્ષાના અભાવે અનેક વખત મોટી દૂર્ઘટના ઘટી છે. આવી જ દુર્ધટના આજે ખેડા, ભાવનગર, બનાસકાંઠા, મહિસાગર, ગાંધીનગર અને વલસાડ જિલ્લામાંથી સામે આવી છે.

જેમાં ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ વડતાલ ખાતે ગોમતી તળાવમાં ન્હાવા પડેલા 5 પૈકી 3 વિદ્યાર્થીઓ ડૂબતા ત્રણેયના મોત નિપજ્યા છે. ભાવનગરના તળાજા તાલુકાના મણાર ગામે ડૂબી જતાં ત્રણ યુવકોના મોત થયા છે. પાલનપુરની બાલારામ નદીમાં ડૂબી જવાથી બે યુવાનોના મોત થયા છે.

મહીસાગરના વિરપુરમાં એક બાળક ખેત તલાવડીમાં ડૂબી જતાં મોત થયું છે. વલસાડની પાર નદીમાં એક યુવકનું ડૂબી જવાથી મોત થયું છે. જ્યારે કડીની લુણાસણની કેનાલમાં ડૂબી જતા બે યુવક મોતને ભેટ્યા છે. જ્યારે કલોલની ઉનાલી કેનાલમાં ડૂબેલા પાંચ લોકોમાંથી એકનું મોત ચાર લોકો હજી લાપતા છે. આમ રાજ્યમાં ડુબી જવાથી કુલ 13ના મોત થતાં તહેવાર ટાણે માતમ છવાયો છે.

ગાંધીનગરના કલોલ તાલુકાના ઉનાલી ગામ નજીક સાણંદ જવાના રોડ ઉપર નર્મદા કેનાલમાં કુલ પાંચ વ્યક્તિઓ ડૂબી ગયા હતા. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે ચાર વ્યક્તિઓની શોધખોળ ચાલુ છે. બે મહિલા અને ત્રણ પુરુષ સહિત પાંચ લોકો ડૂબ્યા હતા જેમાં હાલમાં બે પુરુષ અને બે સ્ત્રીની શોધખોળ અમદાવાદના થલતેજ ફાયર બ્રિગેડ દ્વારા રેસ્કયુ સાધનો અને તરવૈયાઓ કરવામાં આવી રહી છે.

પાર નદીમાં ડૂબતાં એકનું મોત
વલસાડની ઘટના અંગે મળતી માહિતી મુજબ પારડી તાલુકાના રાણા સ્ટ્રીટમાં રહેતો યુવકનું આજે રંગોત્સવની ઉજવણી કરીને પાર નદીમાં ન્હાવા માટે ગયો હતો. જ્યાં અચાનક નદીમાં ડૂબી જતા તુરંત નજીકના ચંદ્રપુર ગામના તરવૈયાઓએ તેને બહાર કાઢીને સી.પી.આર આપવાની કોશિશ કરી હતી. પરંતુ યુવકનું મોત થયું હતું સમગ્ર ઘટનાને પગલે પારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વિદ્યાર્થીઓનું ગ્રુપ ધૂળેટી રમવા આવ્યું હતું
વડતાલની ઘટનાને વિગતવાર જોઈએ તો વડતાલ ખાતે આજે 12 વિદ્યાર્થીઓનું ગ્રુપ ધૂળેટી રમવા આવ્યું હતું. વડતાલ સ્થિત ગોમતી તળાવમાં આ 12 પૈકી 5 વિદ્યાર્થીઓ ન્હાવા પડ્યા હતા. જેમાં આ 5 વિદ્યાર્થીઓ ડૂબવા લાગ્યા હતા અને બુમરાણ મચાવતા સાથે આવેલા વિદ્યાર્થીઓ અને આસપાસના લોકોએ 2 વિદ્યાર્થીઓને બચાવી લીધા હતા. જ્યારે 3 વિદ્યાર્થીઓ ઊંડા પાણીમાં લાપતા બન્યા હતા.

મૃતદેહોને કરમસદ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડાયા
બાદમાં તરવૈયાઓએ જરૂરી સાધન સાથે તળાવના પાણીમાં ઝંપલાવી લાપતા બનેલા ત્રણેય વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન આ લાપતા વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા હતા અને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. બીજી તરફ આ સમગ્ર ઘટનાની જાણ વડતાલ પોલીસને કરાતા પોલીસ બનાવ સ્થળે દોડી આવી તમામ મૃતદેહોને કરમસદ હોસ્પિટલમાં પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યાં છે.

અન્ય વિદ્યાર્થીઓમાં શોક છવાયો
પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ વિધાનગરની એમ.વી.પટેલ કોલેજના વિદ્યાર્થીઓનું આ ગ્રુપ હતું. ગ્રુપના લગભગ 12 લોકો ધૂળેટી રમ્યા બાદ અહીયા આવ્યા હતા અને ન્હાવા સમયે પગ લપસતાં ઘટના બની છે. પોલીસ કહ્યું કે, હજી મૃતકોના નામ માટે સગવાલાઓને જાણ કરી છે‌. હાજર વિદ્યાર્થીઓનું ગ્રુપ પણ શોકમગ્ન થઈ ગયું છે.

ધૂળેટીનો પર્વ મનાવી ન્હાવા પહેલા બે યુવકો ડૂબ્યા
બનાસકાંઠા જિલ્લામાં બનેલી ઘટનાને વિગતવાર જોઈએ તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની બાલારામ નદીમાં ડૂબી જવાથી બે યુવાનોના મોત થયા છે. આ અંગે મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની બાલારામ નદીમાં ડીસાના બે યુવકો ધૂળેટીનો પર્વ મનાવી ન્હાવા માટે પડ્યા હતા. જે ઘટનાની જાણ સ્થાનિકોને થતાં તુરંત સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને યુવકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ પાલનપુર પોલીસને થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.

તળાજાના મણાર ગામમાં ડૂબી જતાં ત્રણના મોત
આ તરફ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામ પાસે આવેલા ચેકડેમમાં નહાવા પડેલા રવિ મકવાણા, મુકેશ મકવાણા તેમજ અન્ય રવિ કુડેચાનું ડૂબી ગયા હતા. સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગે ચેકડેમમાંથી મૃતદેહને બહાર કાઢી તળાજા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રંગોના આ પર્વ પર ત્રણ યુવાનોના ડૂબી જવાથી મોત નીપજતા ભાવનગર જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મહીસાગરમાં ખેત તલાવડીમાં ડૂબી જતા બાળકનું મોત
મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકામાં ડૂબી જતાં એક બાળકનું મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ વિરપુર તાલુકાના ખરોડ ગામના રણજીતપુરા કંપાણી સીમમાં ખેત તાલાવડી હતી, જેમાં એક બાળક હાથ પગ ધોવા માટે ગયો હતો. જેનું ડૂબી જવાના કારણે મોત નીપજ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર ખેત મજૂરી કરી રહેલા શ્રમિક પરિવારનું આ બાળક હતું. સમગ્ર બનાવ બનતા વિરપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસેમાં વિરપુર તાલુકામાં ડૂબી જવાની આ બીજી ઘટના બની છે. હોળીના આગલા દિવસે વિરપુર પાસેના અણસોલ્યા તળાવમાં ત્રણ મિત્રો નાહવા પડ્યા હતા જેઓનું પણ ડૂબી જતાં મોત નીપજ્યું હતું.