છેતરપિંડી@ગુજરાત: વિદેશ મોકલવાની લાલચ આપીને યુવક પાસેથી રૂ. 14.45 લાખ આરોપીએ ખંખેરી લીધા

પાસપોર્ટ કુરિયરમાં મોકલી આપતા શંકા થઇ હતી
 
છેતરપિંડી@ગુજરાત: વિદેશ મોકલવાની લાલચ આપીને યુવક પાસેથી રૂ. 14.45 લાખ આરોપીએ ખંખેરી લીધા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાલમાં છેતરપિંડીના  બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી છેતરપિંડીના બનાવો સામે આવતા હોય છે. વિદેશ મોકલવાની લાલચ આપીને વડોદરાના યુવક પાસેથી રૂ. 14.45 લાખ ખંખેરી લીધા હોવાનો કિસ્સો નોંધાયો છે. ખોખરામાં કન્સલ્ટન્સી ચલાવતા શખ્સે કોલકાતામાં રહેતા સાગરીત સાથે મળીને વડોદરાના યુવકને કેનેડાના વિઝા અપાવી દઈશું તેમ કહીને એક વર્ષ સુધી અલગ અલગ બહાના હેઠળ રૂપિયા પડાવ્યા હતા. વિઝા સ્ટેમ્પિંગ માટે પાસપોર્ટની જરૂર છે તેમ કહી પાસપોર્ટ લઇ લીધો હતો.

વર્ષ સુધી વિઝા ન આવતા યુવક અને તેના પરિવારે પાસપોર્ટની માગણી કરતા ગઠિયાએ કુરિયર મારફતે પાસપોર્ટ મોકલી આપ્યો હતો. પાસપોર્ટમાં કોઈપણ પ્રકારનું સ્ટેમ્પિંગ ન હોવાના લીધે તેમને અંદાજ આવી ગયો કે છેતરપિંડી થઈ છે. આખરે વડોદરાના યુવાને ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સો સામે છેતરપિંડીનો ગુનો નોંધીને ખોખરાના રહેવાસી સૌરભ મધુવર્ષીની ધરપકડ કરી છે અને કોલકાતામાં રહેતા રોહિત કુમારની શોધખોળ હાથ ધરી છે.

ધ્રુવ પટેલ નામનો 23 વર્ષીય યુવક વડોદરામાં પરિવાર સાથે રહે છે. ડિપ્લોમા પૂર્ણ કર્યા બાદ તે વિદેશ જવાના સપના સેવી રહ્યો હતો. ધ્રુવ પટેલ વડોદરામાં સ્વામિનારાયણ મંદિર ગયો હતો. ત્યાં તેની મુલાકાત શૈલેષભાઈ પટેલ નામના વ્યક્તિ સાથે થઈ હતી. વિદેશ જવાનું પ્લાનિંગ કરી રહ્યો છે તેવી વાતચીત થઇ હતી. જેથી શૈલેશભાઈ પોતાના ઓળખીતા એજન્ટ અમદાવાદના ખોખરામાં છે તેમનો સંપર્ક કરાવી આપ્યો હતો. થોડા દિવસ પછી ધ્રુવ પટેલ અને તેના પિતા સૌરભને મળવા માટે ખોખરા તેની ઓફિસે આવ્યા હતા. ત્યાં શરૂઆતમાં ધ્રુવે પોતે યુકે જવાની ઈચ્છા દર્શાવી હતી. પરંતુ ઠગ સૌરભે યુકેમાં હાલ વર્ક વિઝા નથી મળતાં તેમ કહીને કેનેડામાં વર્ક વિઝા મળી જશે તેમ કહીને પિતા-પુત્રને વાતોમાં ભોળવી દીધા હતા. ધ્રુવ પટેલે કેનેડા જવા તૈયારી બતાવી હતી. બાદ ખોખરાના સૌરભે કેનેડા મોકલી આપવા માટે રૂ. 12 લાખ માગ્યા હતા. ધ્રૂવ પટેલે પિતાના એકાઉન્ટમાંથી વર્ષ ૨૦૨૩ના જૂન મહિનામાં સૌ પ્રથમ 75 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી આપ્યા હતા. અલગ અલગ લોકોના એકાઉન્ટ નંબર આપીને સૌરભે અને તેના સાથીએ ભેગા મળીને વર્ષ 2023ના ડિસેમ્બર મહિના સુધીમાં રૂ.14 લાખ 45 હજાર કઢાવી લીધા હતા. બાદમાં કોઈપણ જાતના સ્ટેમ્પિંગ વિનાનો પાસપોર્ટ બંનેએ કુરિયર મારફતે મોકલી આપતા ભાંડો ફૂટ્યો છે.

પાસપોર્ટ કુરિયરમાં મોકલી આપતા શંકા થઇ હતી.

ઠગબાજોએ યુવાનનું મેડિકલ કરવા માટે દિલ્હી બોલાવ્યો હતો. તેનું બાયોમેટ્રિક કરવા કોલકાતા બોલાવ્યો હતો. આ તમામ પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ પાસપોર્ટમાં સ્ટેમ્પિંગ કરવાનું છે તેમ કહીને પાસપોર્ટ લીધો હતો અને કુરિયર મારફતે પાછો મોકલી આપતા શંકા ગઈ હતી. રૂપિયા આંગડિયા પેઢી અને ડિજિટલ મની એપથી માગવાતા નાની રકમનો વ્યવહાર યુ.પી.આઈ. ટ્રાન્જેક્શનથી કરાવતો હતો. મોટી રકમ આંગડિયા પેઢી મારફતે મગાવતા હતા.