નિર્ણય@ગુજરાત: સિંહોના રક્ષણ માટે જૂનાગઢ, અમરેલી અને ગીર-સોમનાથ એમ 3 જિલ્લાના 1.84 લાખ હેક્ટર વિસ્તાર ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
એશિયાઈ સિંહોના રક્ષણ માટે જૂનાગઢ, અમરેલી, અને ગીર-સોમનાથ એમ આ ત્રણેય જિલ્લાના 1.84 લાખ હેક્ટર વિસ્તારને ઈકો સેન્સિટિવ ઝોન ઘોષિત કરવામાં આવ્યો. કેન્દ્ર સરકારે ‘ગીર રક્ષિત વિસ્તાર’ના આજુબાજુનો કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારને ‘ઇકો-સેન્સિટિવ ઝોન' જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જેમાં 3 જિલ્લાનાં 196 ગામ, 17 નદીનો સમાવેશ કરાયો છે. આ જાહેરનામા મુજબ અભયારણ્યથી જાહેર થયેલા ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્તારનું અંતર બાબતે સૌથી ઓછામાં ઓછુ 2.78 કિમી અને વધુમાં વધુ 9.50 કિમી રાખવામાં આવ્યું છે. આ નિર્ણય બાદ ખનન પર પ્રતિબંધ મુકાઇ જશે અને ગેરકાયદે રિસોર્ટને તાળાં વાગી જશે.
વનમંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે નવીન ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ વિસ્તારમાં કુલ 17 નદીના રિવર કોરિડોર અને સિંહોના અવરજવરવાળા 4 મહત્ત્વના કોરિડોરને આવરી લેવામાં આવશે. વધુમાં ગીર રક્ષિત વિસ્તારની આજુબાજુ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, વિસાવદર, માળિયા હાટીના અને મેંદરડા તાલુકાના મળી કુલ 59 ગામ, અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મળી કુલ 72 ગામ તથા ગીર-સોમનાથ જિલ્લાના ઉના, ગીર-સોમનાથ, કોડીનાર અને તાલાલા તાલુકાના મળી કુલ 65 ગામ એમ આ ત્રણેય જિલ્લાના કુલ 196 ગામના 24680.32 હેક્ટર વન વિસ્તાર તથા 1,59,785.88 હેક્ટર બિન-જંગલ વિસ્તાર એમ મળી કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે.
આ વિસ્તારનો ઇકો-સેન્સિટિવ ઝોનમાં સમાવેશ થવાથી આ વિસ્તારમાં વિહરતા સિંહ પરિવારોને વિશેષ રક્ષણની સાથે અત્યારસુધી ગીર રક્ષિત વિસ્તારની હદથી 10 કિમીની ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્તારની હદમાં આ નવા ઇકો-સેન્સિટિવ ઝોનમાં ઘટાડો થવાથી સ્થાનિકોને અન્ય વિકાસલક્ષી પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે.
વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં સિંહ અને વન્યપ્રાણીઓ માટે ગીર નેશનલ પાર્ક, ગીર, પાણિયા અને મિતિયાળા અભયારણ્યનો કુલ 1,468.16 ચોરસ કિમી વિસ્તાર આરક્ષિત કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર અને નામદાર સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન નિયમ મુજબ આ રક્ષિત વિસ્તારની ફરતે ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર કરવાનો થતો હોય છે. જે રક્ષિત વિસ્તારને ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર ન થાય ત્યાં સુધી ગાઇડલાઇન મુજબ રક્ષિત વિસ્તારની ફરતે 10 કિમી ઇકો-સેન્સિટિવ ઝોન અમલમાં રહે છે, જેથી અત્યારસુધી આ વિસ્તારને ફરતે 10 કિમી સુધી ઇકો-સેન્સિટિવ ઝોન અમલમાં હતો.
સિંહોના રક્ષણ માટે ગીર નેશનલ પાર્ક, ગીર, પાણિયા અને મિતિયાળા અભયારણ્યના ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવાની રાજ્યના વન વિભાગ દ્વારા કેન્દ્ર સરકારને દરખાસ્ત કરવામાં આવી હતી. આ દરખાસ્તને ગ્રાહ્ય રાખી ભારત સરકારે તાજેતરમાં ઇકો-સેન્સિટિવ ઝોનનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. રાજ્યમંત્રી મુકેશ પટેલે ઉમેર્યું હતું કે વન અને પર્યાવરણ વિભાગે ગીર રક્ષિત વિસ્તારની ફરતે આવેલાં ગામોમાં છેલ્લાં 10 વર્ષની સિંહોની અવરજવરની રેડિયો કોલર આધારિત વિગતો, સિંહ દ્વારા કરવામાં આવતાં મારણ, સિંહોના અવરજવરના મહત્ત્વના કોરિડોર તથા રિવર કોરિડોર જેવા વિસ્તારને આવરી લઈ ગીર રક્ષિત વિસ્તારને નવો ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.