એક્શન@મનરેગા: કાગળ ઉપર કામો ખુલતાં 2 કરારી સસ્પેન્ડ,18 લાખથી વધુની રિકવરી થશે, સૂત્રધારો બચ્યા

આ ગામમાં વારંવાર તપાસે ગયેલા લોકપાલ નાયકને કેમ ભ્રષ્ટાચાર ના મળ્યો ? હળાહળ મિલીભગત ?
 
એક્શન@મનરેગા: કાગળ ઉપર કામો ખુલતાં 2 કરારી સસ્પેન્ડ,18 લાખથી વધુની રિકવરી થશે, સૂત્રધારો બચ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


દાહોદ જિલ્લામાં ઠેરઠેર મનરેગા કૌભાંડની શૃંખલામાં જનતાનો અવાજ ઉઠાવતાં અહેવાલો અને રજૂઆતોને પ્રથમ સફળતા મળી છે. દેવગઢ બારિયા તાલુકાના ગામમાં મનરેગા કૌભાંડ ખુલ્યું તેમાં અનેક કામો કાગળ ઉપર બતાવી નાણાંકીય ગેરરીતિ આચરી હતી. તેની વારંવારની રજૂઆતોને પગલે ડીડીઓએ આખરે 2 કરારી કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે. બંને કરારી પાસેથી રિકવરી કરવા સુધીની વાતો બહાર આવી રહી છે ત્યારે મોટા કૌભાંડીઓ કેમ બચી ગયા તે સૌથી મોટો સવાલ છે. આટલું જ નહિ, લોકપાલ નાયકની શંકાસ્પદ ભૂમિકા પણ ઉઘાડી પડી ત્યારે ફરીથી થયેલી નિમણૂંક દાહોદ જિલ્લા મનરેગાના ફરિયાદીઓને નિરાશ કર્યા છે. જાણીએ સમગ્ર અહેવાલ.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના લવારીયા ગામમાં મનરેગાના મહાભ્રષ્ટની પ્રથમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને રજૂઆત થઈ હતી. ત્યાંથી ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાર્યવાહી નહિ થતાં ગામનાં અરજદારોએ છેક ગાંધીનગર કમિશ્નર કચેરીએ પુરાવા સાથેની ધારદાર ફરિયાદ કરી ત્યારે ડીડીઓએ તપાસ કરાવી હતી. આ તપાસ કેટલાય દિવસોથી પૂર્ણ અને કૌભાંડ સાબિત થયું છતાં કોઈ એક્શન નહિ લેવાતાં ફરીથી અરજદારો દાહોદ ડીડીઓ, કલેક્ટરને રૂબરૂમાં મળ્યા હતા. આખરે ડીડીઓના આદેશથી નિયામકે લવારીયા ગામના મનરેગાના ટેકનિકલ મનીષ પટેલ અને રોજગાર સેવક કાંતિલાલ બારીયાને સસ્પેન્ડ કર્યા છે. વાત એવી પણ આવી રહી છે કે, બંને કરારીને 18-18 લાખ ભરવા પડશે પરંતુ ફરિયાદ કેમ નહિ તે સૌથી મોટો સવાલ છે. વાંચો નીચેના ફકરામાં મહા ખુલાસો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે લવારીયા ગામમાં આમ તો થોકબંધ કામો કાગળ ઉપર બતાવી સરકારને ગેરમાર્ગે દોરી નાણાંકીય ઉચાપત છે પરંતુ તપાસમાં સરેરાશ દસથી વીસ કામો કાગળ હોવાનું પ્રાથમિક તબક્કે જણાયું છે ત્યારે પોલીસ ફરિયાદ કેમ નહિ તે સૌથી મોટો પ્રશ્ન છે. મનરેગા એક્ટની જોગવાઈ મુજબ આટલો મહા ભ્રષ્ટાચાર હોય કે સામાન્ય હોય પરંતુ તાત્કાલિક અસરથી પ્રથમ પોલીસ ફરિયાદ દાખલ થાય. હવે આટલું જ નહિ, અહીં લવારીયા ગામે સામે આવેલા ભ્રષ્ટાચારની તપાસ લોકપાલ નાયકે કરી હતી પરંતુ કોઈ ભ્રષ્ટાચાર મળ્યો નહોતો ત્યારે આ લોકપાલ નાયકની અત્યંત શંકાસ્પદ ભૂમિકા વિશે સમગ્ર દાહોદ જિલ્લામાં ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે. 

આ સમગ્ર પ્રકરણમાં ભ્રષ્ટાચારના મૂળિયાં ખૂબજ ઉંડા છે ત્યારે ટેકનિકલ અને રોજગાર સેવકે એકલા મળીને ભ્રષ્ટાચાર નથી કર્યો પરંતુ અનેક મોટા માથાઓ સંડોવાયેલા છે. ટેકનિકલ અને જીઆરએસ ઉપરના કરારીથી માંડી ટીડીઓ સુધીના જાણતાં હતા કે,‌ લવારીયા ગામમાં કામો કર્યા વગર બારોબાર નાણાં ઉપાડી લીધા છે પરંતુ ભ્રષ્ટ ભાગીદારીના લીધે આંખ આડા કાન કરતાં હતા. આથી જો આ મહા ભ્રષ્ટાચારની પોલીસ ફરિયાદ થાય તો ઓછામાં ઓછા 10 કૌભાંડીના નામ ખુલે તેમ છે. આટલું જ નહિ આ ભ્રષ્ટાચારમાં મટીરીયલ એજન્સીના સંચાલક પણ કૌભાંડી છે કેમ કે, સ્થળ ઉપર માલસામાન આપ્યા વગર બોગસ બીલો મૂકી સરકાર સાથે છેતરપિંડી આચરી છે. આથી બીજા રીપોર્ટમાં ભ્રષ્ટાચારીઓના નામો વિશે જાણીશું.