બનાવ@રાજકોટ: 22 વર્ષીય યુવકને અચાનક હાર્ટએટેક આવતા મોત નીપજ્યુ, પરિવારમાં કલ્પાંત છવાયો

પરિવારમાં કલ્પાંત છવાયો હતો
 
બનાવ@રાજકોટ: 22 વર્ષીય યુવકને અચાનક હાર્ટએટેક આવતા મોત નીપજ્યુ, પરિવારમાં કલ્પાંત છવાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં  હાર્ટએટેકથી મોતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે.  રાજકોટમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક 22 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે. પરિવારજનોએ એકનો એક દીકરો ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. આજે ધુળેટી એટલે કે રંગોનો ખુશીથી ભરેલો તહેવાર છે પરંતુ, આજનો આ તહેવાર ખીરા પરિવાર માટે માતમમાં ફેરવાઈ ગયો છે.


રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ પાર્કમાં રહેતા કશ્યપ જગદીશભાઈ ખીરા (ઉ.વ.22) આજે બપોરના સમયે ઘરે આવ્યો ત્યાર બાદ અચાનક તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તે ઘરમાં જ ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબે જોઈ તપાસી બાદમાં મૃત જાહેર કર્યો હતો, જેને લઇ પરિવારમાં કલ્પાંત છવાયો હતો.


આ બનાવ અંગે જાણ થતા સિવિલ ચોકીના સ્ટાફે સ્થાનિક પોલીસને જાણ કરી હતી જે બા પોલીસે આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને મોતનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. તબીબોના પ્રાથમિક તારણ મુજબ યુવકને હાર્ટ એટેક આવી ગયો હોવાથી એટેક જીવલેણ સાબિત થયો હોવાનું સામે આવ્યું હતું.


મૃતક યુવાન કશ્યપ રાજકોટના કાલાવડ રોડ પર આવેલ આત્મીય યુનિવર્સિટીમાં MBAનો અભ્યાસ કરતો હતો અને તેના પિતા પ્રાઇવેટ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે. ખીરા પરિવારનો એકનો એક દીકરો કશ્યપ આજે તહેવારના દિવસે પરિવારને છોડી અચાનક વિદાય લઇ લેતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.