ગુનો@ગાંધીનગર: ચહેરમાતાના મંદિરમાં 3 તસ્કરોએ 2.70 લાખના આભૂષણો ચોરીને ફરાર

તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે.
 
ગુનો@ગાંધીનગર: ચહેરમાતાના  મંદિરમાં 3 તસ્કરોએ  2.70 લાખના આભૂષણો ચોરીને ફરાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોરીના બનાવો  ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીની ઘટનાઓ સામે આવતી હોય છે. ગાંધીનગરના મહુદ્રા ગામની સીમમાં આવેલ ખેતરમાં કુવાવાળી ચહેર માતા મંદિરના દરવાજાનો નકુચા તોડી ત્રણ તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. જે બાદ 2 લાખ 69 હજાર 500 ની કિંમતના ચાંદીના આભૂષણો ચોરીને ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે. આ મામલે ચીલોડા પોલીસે ગુનો નોંધી હાલમાં ડોગ સ્કવોર્ડ - એફએસએલની ટીમને બોલાવી વધુ તપાસનો દોર શરૂ કર્યો છે.

ગાંધીનગરના મહુદ્રા ગામની સીમમાં મંદિરમાં ચોરીને અંજામ આપતાં તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. ગાંધીનગરના સરગાસણ રેડીયન્ટ સ્કુલની બાજુમાં પ્રમુખ ગ્લોરી ફ્લેટમાં રહેતાં સંજયભાઇ પટેલના પિતા જયંતીભાઇએ મહુદ્રા ગામની સીમમાં આવેલા ખેતરમાં આશરે પચાસ વર્ષ પહેલા ચેહરમાતાજી તથા ગોગા મહારાજનુ મંદીર બનાવેલ હતું. આ મંદિરનું વર્ષ - 2013 માં રિનોવેશન કરાવી સંજયભાઈ મહારાજ તરીકે સેવા આપે છે. ગઈકાલે સવારે નવેક વાગે તેઓ જૂનાગઢ સાસણ ગીરમાં હાજર હતા. એ વખતે ખેતરમાં ખેતી કામ કરતા શખ્સે ફોન કરીને જાણ કરેલી કે, આપણા કુવાવાળી ચેહરમાતાના મંદીરમાં દરવાજાનો નકૂચો તોડી ચોરી થયેલાનું લાગી રહ્યું છે. જેનાં પગલે સંજયભાઈએ તેમના મોબાઇલમાં મંદીરમાં લગાવેલ સીસીટીવી ચેક કર્યા હતા.

જેમાં કૂલ ચાર કેમેરામાંથી ત્રણ કેમેરા ચાલુ હતા તથા એક કેમેરો બંધ હતો. જેથી તેમણે કેમેરામાં થયેલ ઓનલાઇન રેકોડીંગમાં ચેક કરતા આશરે વહેલી સવારે પોણા ચારેક વાગે ત્રણેક ઇસમો મંદીરે ચોરી કરવા આવ્યાં હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. બાદમાં સંજયભાઈ જુનાગઢથી તાબડતોબ મંદિરે આવી ગયા હતા. બાદમાં તપાસ કરતા મંદીરનો મુખ્ય દરવાજા અને અંદરના મુખ્ય દરવાજાનો નકૂચો પણ તુટેલ હતો.

ઉપરાંત મંદીર અંદરના ભાગે લગાવેલ કેમેરો પણ તુટેલ હતો. જેથી વિગતવાર ચેક કરતાં તસ્કરો મંદિરમાંથી ચાંદીની પાદુકા નંગ - 2, ચાંદીના મોટા છત્તર નંગ - 2, ચાંદીના નાના છત્તર આશરે નંગ- 70, ચાંદીની ડીશ સાથેની દીવી નંગ - 5, ચાંદીની માતાજીને જમાડવાની ડીશો નંગ - 5, ચાંદીની પવાલીયો નંગ - 5 તેમજ ચાંદીના પ્યાલા નંગ - 2 મળીને કુલ રૂ. 2 લાખ 69 હજાર 500 રૂપિયાના મુદ્દામાલની ચોરી થયાનું માલુમ પડયું હતું. આ અંગે ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.