દુર્ઘટના@ભાવનગર: પુલ પરથી ઘઉંનું થ્રેશર પાણીમાં પડતા 3 યુવાનોના ઘટના સ્થળે મોત નીપજ્યા

યુવાનોના ઘટના સ્થળે મોત થયા છે
 
અટલ સમાચાર ડોટ કોમ,  ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. આ દુર્ઘટનામાં કેટલાક લોકો મોતને ભેટતા હોય છે. ભાવનગર જિલ્લાના ઘોઘાના લાખણકા ગામના ડેમ સામે જર્જરિત પુલ પરથી ઘઉંનું થ્રેશર પાણીમાં પડતા પંજાબના ત્રણ સરદારજી યુવાનોના ઘટના સ્થળે મોત થયા છે. હાલ રાજ્ય સાથોસાથ ભાવનગર જિલ્લામાં પણ રવિ સિઝનના રોકડીયા પાક ઘઉંના કટીંગની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે.

દર વર્ષે આ સિઝન શરૂ થાય એ પહેલા જ હરિયાણા, પંજાબ સહિતના પ્રાંતથી અદ્યતન થ્રેશર (ઘઉં કાઢવા માટેનુ મશીન) સાથે મોટી સંખ્યામાં પરપ્રાંતીયો પેટીયું રળવા ગોહિલવાડમાં પડાવ નાંખે છે. એક થી બે મહિના સુધી ભાવનગર જિલ્લાના અલગ અલગ તાલુકાના ગામડાઓમાં ફરી ઘઉં કાઢી આપવાનું કામ રાખી રોજીરોટી રળે છે. ત્યારે પંજાબથી તાજેતરમાં થ્રેશર મશીન સાથે એક કાફલો ઘોઘાના ગામડાઓમાં ફરી રહ્યો છે.

આ થ્રેશર સાથે ત્રણ સરદારજી યુવાનો વરતેજ-બુધેલ હાઈવે-રીંગરોડપરથી પસાર થઈ રહ્યા હતા, તે વેળાએ લાખણકા ડેમ સામે આવેલા જર્જરિત પુલ પરથી થ્રેશર મશીન સાથે ત્રણેય યુવાનો પાણીમાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો છે. 

આ બનાવની જાણ વરતેજ પોલીસ તથા ફાયરબ્રિગેડના જવાનોને થતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઘટનામાં આધારભૂત સૂત્રોના જણાવ્યાં અનુસાર ત્રણેય સરદારજી યુવાનોના મોત થયા છે. આ હતભાગીઓ વિશે કોઈ માહિતી ન હોય આથી પોલીસે મૃતકોની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. ઘટના સ્થળે પાણીમાં હજુ કોઈ વ્યક્તિ ફસાયેલુ છે કે કેમ એ અંગે રેસ્કયુ ઓપરેશનમાં રાત્રીનો અંધકાર બાધારૂપ હોય આથી ફાયરબ્રિગેડના જવાનોએ રાત્રે કામગીરી અટકાવી છે.

મૃતકના નામ
બાદલસિંગ, મંગાસિંગ અને જસપાલસિંગ