છેતરપિંડી@ઘાટલોડિયા: ચોંકાવનારા ઠગ, નર્સરી શરૂ કરવા મકાન ભાડે રાખી કરી 3.38 લાખની ઠગાઈ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દુનિયામાં ઠગાઈના કિસ્સા ખુબજ વધી ગયા છે.લોકો સાથે બહુજ છેતરપિંડી થઇ રહી છે.એક ઠગાઈની ઘટના સામે આવી છે, જે ઘોટલોડીયા ગામની છે.ઘાટલોડિયામાં પ્રિ પ્રાઇમરી સ્કૂલ શરૂ કરવા માટે એક યુવકે ભાડે મકાન રાખ્યું હતું. જોકે મકાન માલિકે પહેલો માળ બનાવવા પૈસાની માગણી કરીને ડિપોઝિટ, એડવાન્સ ભાડું સહિત કુલ 3.38 લાખ યુવકે આપ્યા હતા. પરંતુ મકાન માલિક સહિતના ત્રણ લોકોએ મકાન ભાડે ન આપીને પૈસા ચાઉં કરી જતાં ઘાટલોડિયા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.ચાંદલોડિયામાં રહેતા અર્ચન વૈદ્ય એક કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. વર્ષ 2022માં તેઓએ બહેન, બનેવી સાથે મળીને પ્રિ પ્રાઇમરી સ્કૂલ શરૂ કરવાનું વિચારી ભાડાની જગ્યા શોધી રહ્યા હતા. તે દરમિયાન ફેસબુક પર ઉષાંગ ગોસાઇની મકાન ભાડે આપવાની જાહેરાત જોવા મળી હતી. જે ફોટોમાં બતાવેલું મકાન પસંદ પડતા તેઓએ ઉષાંગનો સંપર્ક કર્યો હતો. બાદમાં ઉષાંગે ઘાટલોડિયા ખાતેનું મકાન બતાવતા અર્ચનભાઈ તે મકાન જોવા ગયા હતા અને બાદમાં વાતચીત દરમિયાન નીચેના મકાનની સાથે તેઓને વધુ એક માળની જરૂર હોવાથી મકાન માલિકે પોતાના ખર્ચે પહેલો માળ બનાવી તેમાં બે રૂમ તથા બાથરૂમ બનાવી આપવાની બાયધરી આપી હતી. બાદમાં વધુ વાતચીત કરી 68 હજાર ભાડું નક્કી કરી આ મકાન ભાડે લેવાનું નક્કી થયું હતું. જેને લઇને ડિપોઝિટ પેટે 1.36 લાખ તથા દોઢ માસનું એડવાન્સ ભાડું 1.02 લાખ ચૂકવી દેવામાં આવ્યા હતા. જોકે બાદમાં હિરેન ગોસાઈએ પ્રથમ માળ બનાવવા માટે અલગથી વધારે પૈસાની માગણી કરતા અર્ચનભાઈએ એક લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. પરંતુ બાદમાં હિરેને આ માળ તે બનાવી શકે તેમ નથી કારણ કે તેમાં વધારે ખર્ચ થશે તેવું કહી રૂપિયા પણ પરત આપ્યા નહોતા. અર્ચનભાઇએ અનેક વખત ફોન કરી વિનંતી કરવા છતાં પણ આરોપીઓએ ખોટા બહાના બતાવી રૂપિયા પરત ન આપતા ભાડા કરાર કેન્સલ કરાવવા ફરિયાદીને બોલાવ્યા હતા. ભાડા કરાર કેન્સલ કરતી વખતે આપેલા ચેક પણ પરત આપ્યા નહોતા. ત્યારબાદ ફરિયાદીએ પૈસા અને ચેકની માગણી કરતા આરોપીઓએ જો પૈસાની માંગણી કરીશ તો તારા ટાંટિયા તોડી નાખીશું તેવી ગર્ભિત ધમકી આપી હતી. જેથી આ તમામ આરોપીઓએ ભાડે જગ્યા આપી રૂ. 3.38 લાખ મેળવી લઈ બાંયધરી આપી હોવા છતાંય ઉપરનો માળ ન બાંધી આપી ઠગાઇ આચરતા ઘાટલોડિયા પોલીસે હિરેન ગોસાઇ, અનિલગીરી ગોસ્વામી અને ઉષાંગ ગોસાઇ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.