હુકમ@ઉ.ગુ: પાટણ હેઠળની નર્મદા નિગમની 35 કચેરીઓ કાયમી બંધ, 66 કર્મચારીઓને તાત્કાલિક દોડધામ

એકસાથે 35 કચેરી બંધ કરવાના નિર્ણયની લાંબા ગાળાની અસર વિશે ચર્ચા
 
હુકમ@ઉ.ગુ: પાટણ હેઠળની નર્મદા નિગમની 35 કચેરીઓ કાયમી બંધ, 66 કર્મચારીઓને તાત્કાલિક દોડધામ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા નાણાંકીય વર્ષ 2024-25 પૂર્ણ થાય તે પહેલાં મોટો ફેરફાર સર્જી દીધો છે. આ ફેરફારથી પાટણની મુખ્ય કચેરીના અનેક કર્મચારીઓને કાયમી ધોરણે અસર પહોંચી છે. નર્મદા નિગમની પાટણ સ્થિત મુખ્ય ઈજનેર હેઠળની 100 માંથી 35 કચેરીઓ બંધ કરવાનો હુકમ થઈ ગયો છે. જેનાથી આ 35 કચેરીઓમાં ફરજ બજાવતા નિગમના 60થી વધુ પુરૂષ, મહિલા કર્મીઓને તાત્કાલિક જગ્યાની ફેરબદલી થઈ છે. નિગમના અધ્યક્ષની સુચનાથી પર્સોનલ મેનેજરે આજે પાટણ અને અમદાવાદ સંદર્ભે હુકમ કરી તાત્કાલિક અમલવારી કરવાનું કહેતાં ઈજનેર આલમમાં દોડધામ મચી ગઇ છે. જાણીએ સમગ્ર અહેવાલ.

ગુજરાત સરકારની માલિકી હેઠળના સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા રાજ્યભરમાં અનેક કચેરીઓ ચલાવવામાં આવે છે. ખૂબ મોટીસંખ્યામાં ઈજનેર સહિતની વિવિધ પાંખના કર્મચારીઓ, અધિકારીઓની આખી ટીમ આ નિગમ હેઠળ છે. આ વહીવટ વચ્ચે નિગમના સત્તાધિશોએ પાટણ સ્થિત મુખ્ય ઈજનેર હેઠળ આવતી કુલ 100 કચેરીમાંથી 35 કચેરી હવે કાયમીધોરણે બંધ કરવાનો હુકમ કર્યો છે‌. જ્યારે 65 કચેરીઓ ચાલુ એટલે કે યથાવત રાખવાનો હુકમ કરી અસરગ્રસ્ત થતી કચેરીના કર્મચારીઓ બાબતે મોટી સુચના આપી છે. જેમાં બંધ થતી 35 કચેરીના કુલ 66 કર્મચારીઓને તાત્કાલિક અસરથી જગ્યા બદલી નવી જગ્યાએ હાજર થવા આદેશ કર્યો છે. પાટણ, મહેસાણા અને કચ્છ જિલ્લાના આ 66 ઈજનેર સહિતના કર્મચારીઓને બદલીવાળી જગ્યાએ 1 એપ્રિલે હાજર થઈ જવા કહેવામાં આવ્યું છે. અધિક મદદનીશ ઇજનેરથી માંડીને કાર્યપાલક ઇજનેર સહિતના કર્મચારીઓને રાધનપુર સહિત રાજ્યભરની વિવિધ કચેરીઓમાં મૂકવામાં આવ્યા છે. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, નર્મદા નિગમના પર્સોનલ બાબતના આસીસ્ટન્ટ જનરલ મેનેજર એમ.જી ડોડીયાએ નિગમની મુખ્ય કચેરીનો 3 માર્ચનો પત્ર સંદર્ભમાં લઈ આ હુકમ જાહેર કર્યો છે. આટલું જ નહિ નિગમે પાટણ મુખ્ય ઈજનેર સિવાય અમદાવાદ સ્થિત મુખ્ય ઈજનેર હેઠળની પણ કેટલીક કચેરીઓ બંધ કરવા હુકમ જાહેર કર્યો છે. જાણકારોના મતે, કચેરીઓ બંધ કરવા સાથે છેલ્લા કેટલાક સમયથી નિગમના સત્તાધિશો ખૂબ અગત્યની ગણાતી પોસ્ટ પણ અન્ય કચેરીમાં મર્જ કરી રહ્યા છે. મુખ્ય ઈજનેરની પોસ્ટ પણ એક સ્થળેથી બંધ કરી અન્ય જિલ્લા હેઠળ કરી દીધી છે. હવે નાની મોટી કચેરીઓ પણ બંધ કરી નિગમ વહીવટી ખર્ચા ઉપર વધુ બ્રેક કરી રહ્યું હોવાનું મનાય છે. જોકે આ તમામ નિર્ણયોથી નર્મદા નિગમ દ્વારા મળતાં પીવાના કે સિંચાઇ માટેના પાણી પુરવઠાને કોઈ અસર નહિ થાય. એટલે કે પહેલાંની જેમ ખેડૂતોને સિંચાઈ માટે અને જ્યાં પીવા માટે પાણી પહોંચે છે તે સેવાઓને કોઈ અસર થશે નહિ.