બનાવ@અમદાવાદ: એક પરિવારના 4 લોકોને કારે ઉછાળી દીધા, જાણો વધુ વિગતે

નાની બાળકીને પણ મોઢાના ભાગે ઈજા પહોંચી
 
બનાવ@અમદાવાદ: એક પરિવારના બાળક સહિત 4 લોકોને કારે ઉછાળી દીધા, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે.  અમદાવાદના નિકોલમાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં રોડ પર ચાલી રહેલા લોકોને પૂરપાટ ઝડપે આવી રહેલા કારચાલકે ટક્કર મારી હતી. એક પરિવારના બાળક સહિત ચાર લોકોને કારે ઉછાળી દીધા હતા. અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાજર લોકોએ કારચાલકનો પીછો કર્યો હતો પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો હતો. 31 મે, 2024ના રોજ બનેલા આ હિટ એન્ડ રનની સમગ્ર ઘટના સીસીટીવી પણ સામે આવ્યા છે.


નિકોલમાં રહેતા અંકિત વિરાણી 31 મેના રોજ રાતના સમયે જમ્યા બાદ તેમની પત્ની, 16 માસની દીકરી અને સાળા અર્જુન સાથે ગુરુકુળ સર્કલ તરફ આંટો મારવા નીકળ્યા હતા. આ દરમિયાન રાતના 10 વાગ્યાની આસપાસ તેમના ઘરની નજીક બ્લુબેરી કોમ્પ્લેક્સની સામે રોડની સાઈડમાં તેઓ ઊભા હતા અને તેમની દીકરીને સાઇકલ પર બેસાડતા હતા. આ દરમિયાન એક કારચાલક પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો. જેણે આ ચારેય લોકોને ટક્કર મારી હતી. જેમાં અંકિતભાઈ ઊછળી દૂર સુધી ફેંકાયા હતા, જ્યારે અન્ય ત્રણ લોકો જમીન પર પટકાયા હતા. અકસ્માત બાદ કારચાલક ત્યાંથી નાસી ગયો હતો.


ચારેયને ઇજા થતાં 108 દ્વારા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં અંકિતભાઈને માથાના ભાગે ઇજા થઈ છે, જ્યારે તેમની દીકરીને પણ મોઢાના ભાગે ઇજાઓ થઈ છે. આ ઉપરાંત તેમના સાળા અને પત્નીને પણ શરીરે ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. હાલ સમગ્ર મામલે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


અકસ્માતનો ભોગ બંનેલા અંકિતભાઈએ જણાવ્યું હતું કે, કારચાલક અકસ્માત કરીને નાસી જ ગયો હતો. અમે 108 દ્વારા સારવાર માટે પહોંચ્યા હતા. મને માથાના ભાગે ઈજા પહોંચી છે અને મારી દીકરીને મોઢાના ભાગે ઈજા પહોંચી છે. મારા સાળાને મોઢાના અને હાથના ભાગે ઈજા થઈ છે અને મોઢાના ભાગે ફેક્ચર પણ થયું છે. મારી પત્નીને પણ શરીરે સામાન્ય ઈજા પહોંચી છે. અમને એટલી જ આશા છે કે, પોલીસ આરોપીને પકડી પાડે અને અમને ન્યાય મળે.


આ મામલે ટ્રાફિક ડીસીપી સફિન હસને જણાવ્યું હતું કે, અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધ્યો છે. ગાડી નંબરના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. હાલમાં પોલીસની ટીમ આરોપીની શોધખોળ કરી રહી છે.