દોડધામ@વડોદરા: ચોરી કરીને ભાગેલી 4 યુવતિ પકડાઇ એટલે કાઢી દીધા કપડા, સામે ટોળાંએ કર્યો રોષ, ચોંકાવનારી ઘટના

અટલ સમાચાર ડોટ કોમ, વડોદરા
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તરમાં એક દુકાનમાં અચાનક 4 યુવતિઓ ઘૂસી ગઇ. આ પછી જોતજોતામાં રોકડ રકમની ચોરી કરીને ચારેય યુવતીઓ ભાગી રહી હતી. આ દરમ્યાન સ્થાનિક લોકોએ પીછો કરતાં ચારેય યુવતીએ ચોંકાવનારું નાટક કર્યું હતુ. પોતાના કપડાં કાઢીને રોડ ઉપર બેસીને આ યુવતિઓએ તમાશો શરૂ કર્યો હતો. જોકે, લોકોએ નિર્વસ્ત્ર થતી યુવતીઓથી ડર્યા વગર મેથીપાક ચખાડી પોલીસના હવાલે કરી દીધી હતી. આ ઘટનાક્રમથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતુ કે, લોન્ડ્રી સંચાલકની ફરિયાદ આધારે ચાર યુવતી સામે ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો સામે જાહેર રોડ ઉપર નિર્વસ્ત્ર થઇ જનાર ચાર યુવતીને મારમારી ધક્કામુક્કી કરનાર ટોળા સામે પણ ફરિયાદ દાખલ કરવાની વાત સામે આવી છે.
વડોદરા શહેરમાં અગાઉ ક્યારેય ના જોવા મળેલી સૌથી ચર્ચાસ્પદ ઘટના આજે પ્રકાશમાં આવી છે. કારેલીબાગ વિસ્તારમાં આવેલી એક લોન્ડ્રીની દુકાનમાં ચાર યુવતી ગ્રાહકના સ્વાગમાં ધસી ગઈ હતી. મોકો મળતા લોન્ડ્રીની દુકાનમાંથી રોકડ રકમ ચોરી ફરાર થયેલી યુવતીઓને દુકાનમાં કામ કરનાર યુવાન જોઈ જતાં દોડધામ શરૂ થઈ હતી. યુવાને બુમરાણ મચાવતાં યુવતીઓ રોડ ઉપર ભાગી જવા લાગી હતી. જોકે, લોકોએ પીછો કરતાં ગભરાઈ ગયેલી ચારેય યુવતીએ ફટાફટ પોતાના કપડાં કાઢી રોડ ઉપર રીતસર બેસીને તમાશો મચાવ્યો હતો. યુવતિઓની આ હરકતથી રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ મારામારી કરતાં મામલો બિચક્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાગદોડ વચ્ચે બચાવ માટે ટોળામાંથી ભાગેલી યુવતીઓ લાલ બહાદુર શાસ્ત્રી વિધાલય પાસે નિર્વસ્ત્ર હાલતમાં પહોંચી ત્યારે કારેલીબાગ પોલીસની જીપ આવી ગઇ હતી. પોલીસે ચારેય યુવતીને કપડાં પહેરાવી પોલીસ મથક લઇ ગઈ અને તપાસ શરુ કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, વાહનોથી ધમધમતા કારેલીબાગ વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર બનેલી આ ઘટનાથી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ દરમ્યાન યુવતિઓએ કપડાં કાઢીને રડવાનું નાટક કરતાં કેટલાંક રોષે ભરાયાં હતા. એક તરફ ચોરીનો મામલો અને સામે રોષે ભરાયેલા લોકોએ મારામારીનો પ્રયાસ કરતાં બંને તરફ આક્ષેપ ઉઠ્યા હતા. આખરે સ્થાનિક પોલીસે દુકાનવાળાની ફરિયાદ આધારે યુવતીઓ વિરૂદ્ધ અને યુવતિઓ સામે કાયદો હાથમાં લેનાર ટોળાં સામે પોલીસે લાલ આંખ કરી હોવાનું સામે આવ્યું છે.