ઘટસ્ફોટ@રાધનપુર: ગટરના 45 કરોડ પાણીમાં, જૂની લાઇન 99 ટકા તોડીને 80 કરોડના ખર્ચે નવી નાખશે
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
રાધનપુર શહેરમાં ગટરલાઇન પ્રોજેક્ટના આ બીજા અધ્યાયમાં સૌથી મોટો અને ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. નગરપાલિકાએ વાપર્યા વગરની અને કાગળ ઉપર નગરપાલિકાએ જેનો કોઈ ઉપયોગ જ નથી કર્યો એવી વણવપરાયેલી ગટરલાઇનનો 99 ટકા હિસ્સો હવે તોડી પાડીને નવી લાઇન નાંખવાની થશે તેવો ખુદ પાલિકાના ઈજનેરે ઘટસ્ફોટ કર્યો છે. હવે જેની લાઇન સંપૂર્ણ ફેઈલ છે તેવી ખાત્રી કોણે કરી ? જો આ ખાત્રી સાચી હોય તો 45 કરોડ પાણીમાં ગયા માની લેવાનું? જાણીએ સ્પેશ્યલ રિપોર્ટ.
પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં છેલ્લા 10 વર્ષથી રહીશો ગટરલાઇન સુવિધાના અભાવે પરેશાન છે ત્યારે સરકારે નવી ગટર લાઈન મંજૂર કરી સરેરાશ 80 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. હવે કેટલાક વર્ષ અગાઉ પણ નવી ગટર લાઇન સરેરાશ 45 કરોડના ખર્ચે મંજૂર થઈ હતી પરંતુ નગરપાલિકાએ વાપર્યા વગરની આ લાઇન હવે તોડી પડશે. ટૂકા સમયમાં અને યોગ્ય જાળવણીના અભાવે મોટાભાગની લાઇન ચોકઅપ થઈ અને હવે 99 ટકા હિસ્સો તોડી પાડશે. આ જૂની ગટર લાઇન મોટાભાગે બિનઉપયોગી રહી તો કેવી રીતે અને કેમ તોડવી પડશે? જૂની લાઇન વિશે ગાંધીનગર સ્થિત વડી કચેરીએ વિગતો માંગતા રાધનપુર નગરપાલિકાએ કોઈ જ માહિતી ના હોવાનું જણાવી દીધું હતું. સૌથી મોટું આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે ગાંધીનગર કચેરીએ કહ્યું કે, આ ફેઝ ટુ પ્રોજેક્ટ છે ત્યારે સામે પાલિકાએ કહ્યું કે, ફેઝ વન તો અમારી પાસે આવ્યો જ નથી. વાંચો ચોંકાવનારા ખુલાસા નીચેના ફકરામાં.
સમગ્ર મામલે રાધનપુર નગરપાલિકાના ઈજનેર અર્જુનભાઈએ જણાવ્યું કે, જૂની ગટર લાઇનની કોઈ માહિતી અમને નહોતી છતાં ગાંધીનગર વાળા પૂછતાં હતા. જૂની લાઇન કેમ તોડવી પડશે અને તેમાં શું થયું તેની વિગતો નથી પરંતુ હવે મંજૂર થયેલી લાઇનનો ડીપીઆર જોતાં જૂની લાઇન સરેરાશ 99ટકા તોડવી પડશે. આ તરફ બિનઉપયોગી લાઇન કેમ તોડવી પડશે તેવું ગુજરાત શહેરી વિકાસ મિશનના અધિકારી ભટ્ટે જણાવ્યું કે, ખાનગી એજન્સીએ સર્વે કર્યો એટલે તેને સાચો માનીને આગળ વધી રહ્યા છીએ. હવે અહીં સવાલ એ ઉભો થાય કે, જૂની લાઇન મૃતપ્રાય છે અથવા 99ટકા તોડવી પડશે તેવું શું ખાનગી એજન્સીએ જણાવ્યું હશે ? આગામી ન્યૂઝ રીપોર્ટમાં વધુ ખુલાસાઓ જાણીએ.