રિપોર્ટ@વડોદરા: ચોરીના ગુનામાં સંડોવાયેલ 4 આરોપીઓ સાથે 4.66 લાખનો મુદામાલ જપ્ત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ચોરીના ગુનાઓ દિવસે-દિવસે ખુબજ વધી રહ્યા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી ચોરીના બનાવો સામે આવતા હોય છે. વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રાત્રિના સમયે ચડ્ડી-બનિયાન ધારણ કરવા સહીતના ઘરફોડ ચોરીના ગુનાઓ કરતી દાહોદની “માતવા ગેંગ”ના ચાર આરોપીઓને ચોરી કરેલ રૂપિયા સાડા ચાર લાખથી વધુ કિમંતના મુદ્દામાલ સાથે વડોદરાના 11(અગીયાર) ઘરફોડ ચોરીઓના ગુનાઓનો ભેદ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉકેલવામાં આવ્યો છે.
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર આર.જી.જાડેજાની આગેવાનીમાં ટિમના માણસોએ વડોદરા શહેરમાં અગાઉ બનેલ ઘરફોડ ચોરીઓના ગુનાઓ બનેલ જગ્યાઓની વિઝીટ કરી આ ઘરફોડ ચોરીઓમાં સંડોવાયેલ આરોપીઓ અંગે સીસીટીવી ફુટેજ, ટેકનીકલ અને હ્યુમન સોર્સ આધારીત આયોજનબધ્ધ રીતે સતત તપાસ કરવામાં આવી હતી. દરમ્યાનમાં દાહોદ જીલ્લાના માતવા ગામે રહેતો અને અગાઉ વડોદરા તથા ગોધરા ખાતે ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ આરોપી સુનીલ વહોનીયાનો આર્થીક ફાયદા માટે માતવા ગેંગના નામથી અન્ય સાગરીતો સાથે મળી રાત્રીના ઘરફોડ ચોરીની ગુનાઓ કરવાની ગેંગ બનાવી રાત્રીના ચડ્ડી-બનિયાનનો વેશ ધારણ કરી વડોદરામાં ઘરફોડ ચોરીઓના ગુનાઓ આચરતા હોવાની તેમજ આ ગેંગના આરોપીઓ વડોદરા શહેરના છેવાડેના વિસ્તારોમાં ગુનાઓ કરતા પહેલા અને ગુનાઓ કર્યા બાદ અવારનવાર જુદી-જુદી જગ્યાએ રોકાણ કરતા હોવાની માહીતી મળી હતી.
જેથી આ ઘરફોડ ચોરીના ગુનાઓ કરતી માતવા ગેંગના ઇસમોની શોધખોળમાં ગોત્રી વિસ્તારમાં ટીમ દ્વારા પેટ્રોલીંગ રાખવામાં આવતા ત્યારે આ ગેંગનો મુખ્ય સુત્રધાર સુનીલ વહોનીયા (રહે.માતવા જી.દાહોદ)નો તેના અન્ય સાગરીતો સાથે દિવાળીના તહેવારો દરમ્યાન ચોરી કરવા માટે વડોદરા ખાતે આવી ગોત્રી રોડ ન્યુ અલકાપુરી, પુષ્પમ ટેનામેન્ટ પાસે ઝુપડામાં રોકાયેલ છે જેઓ રાત્રી દરમિયાન ઘરફોડ ચોરીઓના ગુનાને અંજામ આપનાર છે, તેવી માહીતી મળતાં ટીમ દ્વારા તુર્ત જ ન્યુ અલકાપુરી ખાતે તપાસ કરવામાં આવતા ચાર ઈસમો મળી આવ્યાં હતાં. સઘન પૂછપરછ અને તપાસ કરતાં તેઓ પાસેથી મુદ્દામાં પણ મળી આવ્યો હતો.
આ પકડાયેલ ઇસમોની સઘન પુછપરછ કરી તપાસ કરવામાં આવતાં આ પકડાયેલ આરોપીઓમાં મુખ્ય આરોપી સુનીલ નારસીંગ વહોનીયા તથા તેની સાથે આરોપી નિલેષ રેવલાભાઇ મકવાણાનાઓએ છેલ્લા એક વર્ષમાં વડોદરા શહેર તેમજ વડોદરા શહેરને અડીને આવેલ ગ્રામ્ય વિસ્તારના જુદી-જુદી જગ્યાઓ મળી કુલ- 18 જગ્યાના સોસાયટીના બંધ મકાનો તેમજ બંગલાઓને ટારગેટ કરી બંધ મકાનોમાં પોતાના આર્થીક ફાયદા માટે ચડ્ડી-બનિયાનને ધારણ કરી ઘરફોડ કરી સોનાચાંદીના દાગીનાઓ ઉપરાંત રોકડ રકમની ચોરી કરેલાનુ અને આ કરેલ ઘરફોડ ચોરીઓમાંથી કેટલીક ઘરફોડ ચોરીઓના ગુનામાં પકડાયેલ બીજા બે ઇસમ પપ્પુ તડવી અને સુખરામ વળવી તેમજ અન્ય સાગરીતો ઘરફોડ ચોરીના ગુનાઓમાં સાથે રહી ઘરફોડ ચોરીઓના ગુનાઓને અંજામ આપેલ છે. હાલ સુધીની પુછપરછ અને તપાસ દરમ્યાન આ આરોપીઓ દ્વારા રાત્રીના સમયે કરેલ ઘરફોડ ચોરીઓના નોંધાયેલ વડોદરા શહેરના 10(દસ) ગુનાઓ તેમજ વડોદરા ગ્રામ્યના 1(એક) ગુનો મળી કુલ 11 અનડીટેકટ ઘરફોડ ચોરીઓના ગુનાઓ ડીટેકટ કર્યાં છે.