વેપાર@ગોંડલ: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાંની 50 હજાર ભારીની આવક થઇ

આ વર્ષે મરચાના પોષણક્ષમ ભાવો ન મળતા હોવાની પણ ફરિયાદ ઊઠી છે.
 
રિપોર્ટ@ગોંડલ: માર્કેટિંગ યાર્ડમાં મરચાની 3500થી 4000 ભારીની આવક નોંધાઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગોંડલિયું મરચું સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. સમગ્ર ગુજરાતમાં ગોંડલનાં તીખાં મરચાં વખણાય છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રોજિંદા વિવિધ જણસીઓની આવક થતી હોય છે ત્યારે યાર્ડમાં ગોંડલિયા મરચાની અઢળક આવક નોંધાઈ છે. યાર્ડમાં એક જ દિવસમાં 40થી 50 હજાર ભારી મરચાની આવક થવા પામી છે.અહીંનું મરચું તીખાસને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યના લોકોને પણ આકર્ષી રહ્યું છે ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતનાં અન્ય રાજ્યોમાંથી વેપારીઓ મરચાં ખરીદવા આવ્યા છે. જો કે મરચાની હરાજીમાં 20 કિલોના ભાવ રૂપિયા 1500થી લઈને 3000 સુધીના ભાવ બોલાયા હતા. ગોંડલ પંથકમાં માવઠાના માર વચ્ચે ગત વર્ષ કરતાં આ વર્ષે મરચાના પોષણક્ષમ ભાવો ન મળતા હોવાની પણ ફરિયાદ ઊઠી છે.

હડમતાળાના ખેડૂત કિશોર યાદવ જણાવે છે કે મારે મરચાનો પાક સારો એવો આવ્યો છે. વધારે પડતો વરસાદ થવાના કારણે પાકને નુકસાન પણ થયું છે. અંતે થોડો બગાડ બેઠો છે છતાં સારો પાક પણ થયો છે અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાના ભાવ સારા મળ્યા છે. 2751 રૂપિયા ભાવ આવ્યા છે. મને સારો એવો ભાવ મળ્યો છે અને વળતર મળે એવું લાગે છે અને ખેડૂતોને સારા એવા ભાવ મળી રહ્યા છે.

પાટીદળના ખેડૂત દિલીપ વરસાણી જણાવે છે કે મેં મરચાનું વાવેતર કરેલું છે. મરચામાં હાલ નુકસાની ઝાઝી છે. 50% સારો ઉતારો છે અને 50% ફોરવર્ડ ઊતરે છે. હાલ મરચામાં બજાર નથી, બીજા પાક જેટલું વળતર માંડ માંડ મળે એવું છે, ખર્ચા વધી ગયા છે. આ વર્ષે મરચામાં વધારે ભીંસ જેવું લાગે છે. આ પહેલાં 2400 રૂપિયા જેવો ભાવ આવ્યો હતો અને ફોરવર્ડમાં તો ભાવ ડાઉન છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું હતું કે, આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાંની આવક કરવામાં આવી હતી. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લગભગ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પોતાનું મરચું વેચવા આવે છે. આજે 50 હજાર ભારી મરચાંની નોંધાઈ છે, અત્યારે મરચાના ભાવ રૂપિયા 1500થી લઈને 3000 સુધીના બોલાય છે. માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર ભારતમાંથી મરચાં ખરીદવા ગોંડલ યાર્ડમાં આવે છે અને અમે પણ બધી કંપનીઓને ઇમેઇલ કર્યા છે.