બનાવ@ગોધરા: બકરા સાથે રસ્તો ક્રોસ કરતા વ્યકિતને બાઈક ચાલકે ટકકર મારતા ઘટનાસ્થળે જ મોત

પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે
 
બનાવ@ગોધરા: બકરા સાથે રસ્તો ક્રોસ કરતા 55 વ્યકિતને બાઈક ચાલકે ટકકર મારતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં દુર્ઘટનાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતની ઘટના સામે આવતી હોય છે.  વાવડી ખુર્દ પાસે બાઇક ચાલકે બકરા ચરાવતા રાહદારીને અડફેટે લેતા રાહદારીનું મોત નિપજ્યું હતું. ફરાર બાઈક ચાલક સામે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

વાવડી ખુર્દના મંગળભાઈ લુંજાભાઈ માલીવાડ સવારે નવ વાગ્યે બકરા લઇને ઘરેથી ચરાવવા નીકળ્યા હતા. મંગળભાઈ પોતાના બકરાઓને લઇને રેલવે સ્ટેશન સામે આવેલા જંગલના રસ્તે જવા માટે રસ્તો ઓળંગી રહ્યા હતા. તે વેળાએ પૂરઝડપે બાઈક લઈને આવેલા બાઇકચાલકે મંગળભાઈને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મંગળભાઇને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

જ્યારે એક બકરાનું પણ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અકસ્માત કરનાર બાઈકચાલક પોતાની બાઈક ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે અજાણ્યા બાઇક સામે તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધી હતી.