છેતરપિંડી@અમદાવાદ: મકાન અપાવવાના બહાને આધેડ સાથે 5.91 લાખ પડાવ્યા

મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગોઠવણ કરી મકાન અપાવવાના બહાને છેતરપિંડી કરી પૈસા પડાવવાના કેસ વધી રહ્યા છે
 
ફ્રોડ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં છેતરપિંડીનાં કેસ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી છેતરપિંડીનાં બનાવો સામે આવતા હોય છે. મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગોઠવણ કરી મકાન અપાવવાના બહાને છેતરપિંડી કરી પૈસા પડાવવાના કેસ વધી રહ્યા છે, ત્યારે વધુ એક કેસ સામે આવ્યો છે. જેમાં શાહપુરમાં રહેતા આધેડને યુવકે આવાસ યોજનામાં મકાન અપાવવાનું મહિને 2018થી ટુકડે-ટુકડે 5.91 લાખ રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ મકાન ન મળ્યા આધેડે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શાહપુરમાં રહેતા પુનિત પંચાલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, વર્ષ 2018માં તેમના એક પરિચિત દ્વારા તેમનો હિરેન વ્યાસ નામના વ્યક્તિ સાથે સંપર્ક થયો હતો. હિરેન વ્યાસે હાઉસિંગ બોર્ડમાં એજન્ટ હોવાની ઓળખ આપી હતી અને હાઉસિંગ બોર્ડમાં મકાન અપાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો. હિરેને પુનિતને જણાવ્યું હતું કે, હાઉસિંગ બોર્ડે તેને કોડ આપેલો છે તે કોડમાં જ્યારે જ્યારે તે જેટલા પૈસા મોકલવાનું કહે ત્યારે તેને પૈસા મોકલી આપવા પડશે. 16 ઓગસ્ટે હિરેને પુનિતને લોગીન માટે 16000 આપવા પડશે, તેમ કહીને એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા.

માર્ચ 2022 સુધી હિરેને પુનિત પાસેથી ટુકડે-ટુકડે 5.91 લાખ રૂપિયા મેળવ્યા હતા. પૈસા આપ્યા બાદ જ્યારે પોલીસ હિરેન પાસે પહોંચ માંગી ત્યારે હિરને કહ્યું કે, આવી કોઈ પહોંચ આવે નહીં, તમારે ભરોસો રાખવો પડશે. તમે ફાઇનલ પેમેન્ટ કરી દેશો ત્યારબાદ તમને મકાન જોવા મળશે. પુનિતે અનેક વખત મકાનની પહોંચ તથા મકાન આપવા જણાવ્યું, પરંતુ હિરેન અલગ-અલગ બહાના બતાવીને પહોંચ કે મકાન આપતો નહોતો. જેથી પુનિતે હિરેન વિરુદ્ધમાં મુખ્યમંત્રીને પણ લેખિતમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.