દુર્ઘટના@ગુજરાત: ભયાનક અકસ્માતમાં 6 લોકોનાં મોત નીપજ્યા, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવર-નવાર કેટલાક ભયાનક અકસ્માતો સામે આવતા હોય છે. હાલમાં હદય કંપાવી ઉઠે એવી ભયાનક દુર્ઘટના સામે આવી છે, જેમાં 6 લોકોના મોત નીપજ્યા હતા. કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા નજીકના ધોરીમાર્ગ પર ગઈકાલે મંગળવારે સાંજે ટ્રક (ટ્રેલર) અને ઇક્કો કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગોંડલના એક જ પરિવારના 5 સભ્યો અને ડ્રાઈવરનું સહિત 6 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જ્યારે 3 લોકોને ગંભીર ઈજા થવા પામી હતી. અકસ્માતની ઘટનાને પગલે હાઈવે પર લોકોની ભારે ભીડ એકઠી થઈ જવા પામી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. મૃતકોના મૃતદેહ ગોંડલના દેરડી (કુંભાજી) ગામે પહોંચતા પરિવારમાં ભારે આક્રંદ જોવા મળ્યું હતું. મૃતકોની સ્મશાનયાત્રા પહેલાં આજે વહેલી સવારથી જ ગ્રામજનોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું.
ગઈકાલે સાંજના રોજ બનેલ અકસ્માતની ઘટનામાં દેરડી (કુંભાજી) ગામના ખાતરા પરિવારના 3 અને બહેન, ફઈ, સહિતના કુલ 5 લોકો મોત નીપજ્યાં હતાં. અકસ્માતની ઘટનામાં મૃતક ભાવેશ દેવશીભાઈ ખાતરા તેમનાં પત્ની ભાવના ભાવેશભાઈ ખાતરા, પુત્ર રુદ્ર ભાવેશભાઈ ખાતરા તેમજ ભાવેશભાઈનાં બહેન સોનલ અમિતભાઇ ગોરસિયા (રહે. રાજકોટ), ફોઈ અંબાબેન દેવરાજભાઈ વઘાસિયા (રહે. બગસરા) સહિતના એક જ પરિવારના 5 લોકો અને દેરડી કુંભાજી ગામના ઈક્કો કારચાલક બહાદૂર કાળુભાઇ સહિતના કુલ 6 વ્યક્તિઓનાં કરુણ મોત નીપજ્યાં હતાં.
અકસ્માતની આ ઘટનામાં વૈદ ભાવેશભાઈ ખાતરા, વિદિશા પ્રવીણભાઈ ખાતરા, ગ્રંથ અમિતભાઈ ગોરસિયા સહિતના 3 વ્યક્તિઓને ગંભીર ઈજા થવા પામી હતી. અકસ્માતની આ ગોઝારી ઘટનાને લઈના મૃતકોની સ્મશાનયાત્રા નીકળે એ પહેલાં આજે વહેલી સવારથી જ ગ્રામજનોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું અને ગ્રામજનોએ પોતાના ધંધા-રોજગાર સજ્જડ બંધ રાખીને શોક વ્યક્ત કર્યો હતો. એક જ પરિવારના 3 સભ્યોની એકસાથે અંતિમયાત્રા નીકળી હતી જેમાં ગ્રામજનો જોડાયા હતા.
અકસ્માતની ઘટનાનો ભોગ બનેલ અને હાલમાં ભુજ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા વૈદ ભાવેશભાઈ ખાતરાએ માતા-પિતા, નાનાભાઈ સહિતના લોકોની છત્રછાયા ગુમાવી છે. ત્યારે વૈદ ખાતરા રાજકોટની મોદી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને તેણે આપેલી નીટની પરીક્ષામાં 720 માર્કસમાંથી 691 માર્કસ મેળવીને ઉત્તીર્ણ થયો હતો. આ સાથે જ ખાતરા પરિવાર અને દેરડી (કુંભાજી) ગામનું ગૌરવ વધાર્યું હતું. તો બીજી તરફ વૈદને નીટમાં ટોપ નંબરના સારા માર્ક્સ પ્રાપ્ત થતા તેમનાં પરિવારજનો કચ્છમાં પોતાના કુળદેવી શ્રી મોમાઈ માતાજી મંદિરે દર્શનાર્થે ગયાં હતાં. બાદમાં પરત ફરતી વેળાએ અકસ્માતનો ભોગ બન્યાં હતાં. જેને લઈને ગ્રામજનોમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.
ભચાઉના લાકડિયા નજીકના ધોરીમાર્ગ ઉપર મંગળવાર સાંજે ભયંકર વાહન અકસ્માતની ઘટના સર્જાઈ હતી. બ્રિજ સમારકામ અર્થે ફોરવે માર્ગ ઉપર કરાયેલા ડાયવર્ઝનના કારણે એક લાઈન ઉપર પસાર થતાં ઇકો કાર અને ટ્રેલર વચ્ચે સામસામી ટક્કર સર્જાતા 6 લોકોનાં મોત થયાં હતાં. તો અન્ય ત્રણ વ્યક્તિ ગંભીર રૂપથી ઘાયલ હોવાનું સામે આવ્યું છે. બનાવના પગલે ધોરીમાર્ગ ઉપર લોકોની ભારે ભીડ ઊમટી પડી હતી. લાકડિયા પોલીસ ઘટનાસ્થળે પરિસ્થિતિને થાળે પાડવા અને મતૃદેહોને હોસ્પિટલ ખસેડવાના કાર્યમાં જોતરાઈ હતી.
મૂળ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દેરડી (કુંભાજી) ગામનો ખાતરા પરિવાર રાપર તાલુકાના મોમાયમોરા મંદિરેથી દર્શન કરી પરત પોતાના ગામ જઈ રહ્યો હતો, તે વેળાએ સૌરાટ્રના મોરબી માર્ગે પહોંચે તે પહેલાં લાકડિયા હાઇવે પર અકસ્માતનો ભોગ બનતા કુલ 6 વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં. જેમાં 3 પુરુષ અને 3 મહિલાનાં મૃત્યુ થયાં હોવાની પોલીસે પુષ્ટિ કરી હતી.
આ અંગે લાકડિયા પીઆઇ વસાવા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, લાકડિયા બાયપાસના રાધનપુર ધોરીમાર્ગ પર રેલવે ક્રોસિંગ પાસે ઓવરટેક કરતી ઇકો કાર સામેથી આવતા ટ્રેલર સાથે ધડાકાભેર ટકરાઈ જતા કારમાં સવાર લોકો ગંભીર રૂપથી ઘવાયા હતા. મૃતકોને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવા તેમજ અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડવાની કામગીરી ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રિજના સમારકાર્યને લઈ ઊભા કરાયેલા ડાયવર્ઝનથી ગંભીર અકસ્માત સર્જાવાની સંભાવના આ પહેલાં દિવ્ય ભાસ્કરે વ્યક્ત કરી હતી. જર્મન ટીએમટી બારના ઇનામુલ ઈરાકીએ તુરંત કંપનીની એમ્બ્યુલન્સ મોકલી મદદરૂપ બન્યા હતા.