રિપોર્ટ@આણંદ: કૃષિ યુનિવર્સિટીમાં રિનોવેશનના નામે 74.88 લાખનું કૌભાંડ, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલાક કૌભાંડો સામે આવતા હોય છે. ફરી એકવાર આણંદ યુનિવર્સિટીમાંથી કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે. આણંદ કૃષિ યુનિવર્સિટી છેલ્લાં કેટલાંય સમયથી વિવાદનો પર્યાય બની ગઈ છે. યુનિવર્સિટીમાં ગત વર્ષે વાઈસ ચાન્સેલરે કોન્ફરન્સ હોલના રીનોવેશનની કામગીરીમાં 74.88 લાખની સ્પષ્ટ ગેરરીતિ આચરવામાં આવી હોવાનું તાજેતરમાં ખૂલતાં જ યુનિવર્સિટી સંકુલમાં ખળભળાટ મચી ગયો છે.
આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આણંદ કૃષિ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરના કોન્ફરન્સ હોલના રીનોવેશનની કામગીરી કરવા માટે જીઈએમ પોર્ટલ પર કસ્ટમ બીડ કરાઈ હતી. જોકે, રીનોવેશનમાં ફર્નિચર-ફિક્ષ્ચર, રીવોલ્વીંગ ચેર જેવી ડેડ આઈટમ્સ સહિત ફ્લોરીંગના રીનોવેશનની કામગીરી તથા ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ અધ્યતન કરવાની કામગીરીનો પણ સમાવેશ કરાયો હતો. જે અંતર્ગત 4 નવેમ્બર, 2022ના રોજ કમિટીની રચના કરાઈ હતી. દરમિયાન, અવાર-નવાર મીટીંગોનું આયોજન કરીને કુલસચિવ કચેરીના જીઈએમના પોર્ટલના રજિસ્ટ્રેશન મારફતે 25મી જુલાઈ, 2023ના રોજ કસ્ટમ બીડ કરાઈ હતી. જે માટેની અંતિમ તારીખ 11મી ઓગસ્ટ, 2023 રખાઈ હતી. વર્ષ 2023માં 31મી ઓગસ્ટ તથા 2 સપ્ટેમ્બર 2023ના રોજ કમિટી સભ્યોની હાજરીમાં બીડ ખોલવામાં આવી હતી.
જે પૈકી કુલ ચાર પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. તમામ પાર્ટીઓના ટેક્નીકલ ઈવેલ્યુએશન જોતા ત્રણ પાર્ટીઓને રિજેક્ટ કરી, બંસલ ઓડિયો વિઝ્યુઅલ સીસ્ટમ પાર્ટીને મંજૂરી આપી તેના તરફથી આવેલો રૂપિયા 74,88,480નો ભાવ મંજૂર કરાયો હતો. આ કામગીરી માટે 20મી સપ્ટેમ્બર, 2023ની નોંધ પર વાઈસ ચાન્સેલર ડો. કે. બી. કથીરીયા દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હતી અને અંદાજિત 75 લાખના ખર્ચ માટેની હિસાબ નિયામક તરફથી યુનિવર્સિટી ડેવલોપમેન્ટ ફંડ હેઠળ ગ્રાન્ટ ફાળવી આપવાનું ઠરાવ્યું હતું.
યુનિવર્સિટીમાં ફરજ બજાવી ચૂકેલા પૂર્વ એન્જિનીયરે જણાવ્યું હતું કે, ખુરશી-ટેબલ એ રીનોવેશનના કામમાં ન આવી શકે. એને ડેડ સ્ટોકમાં ગણવામાં આવે છે. એ જ રીતે ફ્લોરિંગ રીનોવેશનની કામગીરી એ બાંધકામમાં આવે છે, પરંતુ રીનોવેશનનું કામ જે પાર્ટીને આપવામાં આવ્યું તે ઓડિયો વિઝ્યુઅલની જ કામગીરી કરે છે, તો એ બાંધકામ કેવી રીતે કરી શકે એ પ્રશ્ન છે.
નિયમ : 10 લાખથી ઉપરનો ખર્ચ હોય તો કન્સ્ટ્રક્શન કમિટીમાં પાસ કરાવવું પડે { સ્ટેટ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીઝ ઓફ ગુજરાત સ્ટેચ્યુએટ એસ 121 ની આઈટમ નંબર 40 (1)(1) મુજબ રૂપિયા 74,88,480ના ખર્ચની મંજૂરી આપવા વિનંતી કરાઈ હોવાનું ઠરાવ્યું છે. નિયમ પ્રમાણે 10 લાખની ઉપરનો ખર્ચ હોય તો કન્સ્ટ્રક્શન કમિટી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં પાસ કરાવવાનું હોય છે.
પ્રક્રિયા : રિનોવેશનની કામગીરી માટે ટેન્ડર બહાર પાડી શકાયું હોત { વીસી કોન્ફરન્સ હોલના રીનોવેશનની કામગીરીની કંઈ જરૂર જ નહોતી. પરંતુ આમ છતાં પણ જો કરવું જ પડે એમ હોત તો ઈ ટેન્ડર બહાર પાડીને ભાવપત્રક મંગાવી શક્યા હોત. પરંતુ સ્કવેર ફૂટનો જીઈએમ પોર્ટલ પર ઉલ્લેખ કરીને ભાવ મંગાવી અન્ય પાર્ટીઓને અંધારામાં રાખવાનો ખેલ રચાયાની આશંકા છે.
આશ્ચર્ય : સ્કેવર ફૂટમાં ફર્નિચર-રિવોલ્વિંગ ચેર સહિત બધું બતાવ્યું રીનોવેશનની કામગીરી અંતર્ગત કમિટી દ્વારા જીઈએમ પર જે બીડ કરાઈ તેમાં ‘પર સ્કેવર ફૂટ’ રીનોવેશનની કામગીરી બતાવી ફર્નિચર, ફિક્ક્ષર, રિવોલ્વીંગ ચેર સહિતની આઈટમ બતાવી છે. ઉપરાંત, ઓર્ડર ક્વોન્ટીટીમાં પણ એક નંગ બતાવી સમગ્ર બીડમાં ગુંચવાણો ઉભો કરીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે.