દુર્ઘટના@ગાંધીનગર: ટ્રકે મોપેડને અચાનક ટક્કર મારી, 9 વર્ષની કિશોરીનું મોત, જાણો સમગ્ર દુર્ઘટના વિશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાંથી ફરી એકવાર અકસ્માતની હદય દ્રાવક ઘટના સામે આવી છે.અધવચ્ચે કાળ ભરખી ગયો:ડભોડા બળિયાદેવ મંદિર પાસે ટ્રકે મોપેડને ટક્કર મારી, 9 વર્ષની કિશોરીનું મોત, ત્રણને ઈજા
ગાંધીનગરના ડભોડાથી લવારપુર રોડ પર ગત શનિવારે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં મિક્સર મશીન ટ્રકે મોપેડને ટક્કર મારતા 9 વર્ષની કિશોરીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે પરિવારના અન્ય ત્રણ સભ્યોને ઈજાઓ પહોંચી હતી. આ અંગે ડભોડા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હથ ધરી છે.
અમદાવાદના કુબેરનગરના કોતરપુર વોટર વર્ક્સ પાસે આવેલી સંતોષ પાર્ક સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ મનુભાઈ સોનીનો ગત શનિવારે જન્મદિવસ હોવાથી તેઓ પરિવાર સાથે ડભોડા હનુમાનજીના દર્શને આવવા માટે નીકળ્યા હતા. એ વખતે ભાવેશભાઈ તેમની દીકરી રીયા, ભત્રીજી હિતાંશી અને સાઢુભાઈની દીકરી દીયા સાથે મોપેડ પર સવાર થઈને લવારપુર ચોકડીથી ડભોડા તરફ જઈ રહ્યા હતા.
આ દરમિયાન સાંજે સવા છ વાગ્યાના અરસામાં બળિયાદેવ મંદિર પાસે પહોંચતા પાછળથી પુરઝડપે આવેલા એક મિક્સર મશીન ટ્રકના ચાલકે મોપેડને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સામેથી વાહન આવતું હોવાથી ટ્રક ચાલકે ટ્રકને ડાબી બાજુ લેતા ટ્રકનું આગળનું ટાયર ભાવેશભાઈના મોપેડ સાથે અથડાયું હતું.
આ ટક્કર વાગતા જ મોપેડ પર સવાર ચારેય જણા નીચે પટકાયા હતા. એજ ઘડીએ 9 વર્ષની હિતાંશીના હાથ પરથી મિક્સર મશીનનું ટાયર ફરી વળતા તે ગંભીર રીતે ઘાયલ થઇને તરફડીયા મારવા લાગી હતી. અકસ્માતના ઘટનાસ્થળે એકઠા થયેલા લોકોએ 108ને જાણ કરી તમામ ઈજાગ્રસ્તોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.
જ્યાં સારવાર દરમિયાન હિતાંશીએ દમ તોડ્યો હતો. જ્યારે અન્ય ત્રણ ઈજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ છે. આ અકસ્માતના પગલે સ્થાનિકોમાં આક્રોશ છે કે, ડભોડા લવારપુર રોડ પર રહેણાંક વિસ્તાર, શાળાઓ અને મંદિરો આવેલા હોવા છતાં વાહનો બેફામ ગતિએ દોડે છે. અહીં લાંબા સમયથી સ્પીડબ્રેકરની માગ કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. આ અંગે ડભોડા પોલીસે મિક્સર મશીન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

