ચુંટણી@ગુજરાત: ઉત્તરમાં કેસરિયો લહેરાવવા ખુદ અમિત શાહ મેદાનમાં, મેવાણીની વડગામ સહિતની સીટો પર ભારે મંથન

અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેરાતનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયો છે ગમે ત્યારે ચૂંટણી પંચ જાહેરાત કરી શકે છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષ અત્યારે પૂર જોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. તેવામાં ઉત્તર ગુજરાતમાં ભાજપને મજબુત કરવા નેતાઑ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ઉતર ગુજરાતના પાલનપુરમાં અમિત શાહ અને ઉતર ગુજરાત, કચ્છ જિલ્લાના હોદ્દેદારો અને ધારાસભ્યો સાથે ભાજપની ચૂંટણીલક્ષી બેઠક યોજાઇ હતી.
પાલનપુર ખાતે મળેલી બેઠકમાં કોંગ્રેસના વિસ્તાર ગણાતી સીટ પર આગામી વિધાનસભાની ચૂંટણીમાં કમળ ખિલવાવા પર રણનીતિ ઘડી કાઢવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બેઠકમાં અમિત શાહની હાજરીમાં અર્બૂદા સેના અને ઠાકોર સમાજ પર પણ ચર્ચા કરાઇ હતી. અર્બુદા સેનાના વિરોધને લઇ સંભવિક અસરો પર પણ ચર્ચા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે અને ચૌધરી સમાજમાં વિખવાદનો મુદ્દો પણ બેઠકમાં ઉછળ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ભાજપની પકડ કેવી રીતે મજબુત કરવી તે મુદે ભાજપના જૂના જોગીઑ વચ્ચે મંથન કરાયું હતું.

અત્રે નોંધનીય છે કે, ગત વિધાનસભામાં ચુંટણીમાં ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને ફાળે વધુ સીટ ગઇ હતી. બનાસકાંઠામાં 2017માં 9 માંથી 7 સીટ પર કૉંગ્રેસની જીત થઈ હતી. ત્યારે 9 બેઠક કબ્જે કરવા પર હોદ્દેદારોને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, મહીસાગર મુદ્દે ચર્ચા અને મેવાણીની વડગામ, દાંતા બેઠક પર કોંગ્રેસને હરાવવા વિશેષ રણનિતિ ઘડાઈ શકે છે. ત્યારે હાલ કોંગ્રેસના નિર્ણયને ધ્યાનમાં રાખીને ભાજપની રણનીતિ નક્કી કરવામાં આવશે.
ચોક્કસ સૂત્રોનું માનીએ તો ભાજપમાં ટિકિટ વહેચણી મુદ્દે પાર્ટી 25 ટકા ધારાસભ્યોમાં નો-રિપીટ થિયરી અપનાવી શકે છે. જેમા ભાજપ 25 ધારાસભ્યોને ટિકિટ કપાઈ તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. સૂત્ર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં ભાજપની મિટિંગમાં ટિકિટ કાપવા મુદ્દે ચર્ચા થઈ હતી. ગઈકાલે વડોદરામાં મધ્ય ઝોનની બેઠક મળી હતી. જે બેઠકમાં એવી ચર્ચા થઈ છે કે, ધારાસભ્યની કાર્યક્ષમતા મુદ્દે ચર્ચા થઈ હતી. જે બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ પણ હાજર રહ્યાં હતાં.