લાંચ@ધાનેરા: તુરંત જામીન અને મુદ્દામાલ છોડવા (ASI)પોલીસે 75 હજાર માંગ્યા, વચેરીયો રકમ લેતા ઝબ્બે
તાત્કાલિક જામીન આપવા અને મુદ્દામાલ છોડવા સામે એએસઆઇ રવિએ અધધધ...રકમ માંગી હોવાનું એસીબીએ ટ્રેપને આધારે પકડાયું
Updated: Sep 12, 2022, 09:32 IST

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર
ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારી એએસઆઇ દ્વારા અત્યાર સુધી અનેક આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી હશે. જોકે ગઈકાલે 75 હજારની લાંચ મામલે આરોપી બનતાં અગાઉના કેસમાં કેટલી બેનામી સંપત્તિ એકઠી કરી હશે તે સૌથી ગંભીર સવાલ બન્યો છે. એસીબીને મળેલી ફરિયાદ આધારે ટ્રેપ કરતાં ધાનેરા પોલીસના એએસઆઇ તેના ખાનગી માણસ મારફતે લાંચ કેસમાં આરોપી બન્યાં છે. તાત્કાલિક જામીન આપવાના અને મુદ્દામાલ છોડવા સામે આ આરોપી પોલીસે લાંચ માંગી હતી પરંતુ ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ના હોઈ રજૂઆત મળતાં એસીબીએ છટકું ગોઠવી સફળ ટ્રેપ કરી હતી. જાણો સમગ્ર મામલો.

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પોલીસ સ્ટાફને શરમજનક સ્થિતિમાં મૂકતી ઘટના એએસઆઇ દ્વારા ઉભી થઇ છે. વિરુદ્ધ ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ એક્ટ હેઠળ કેટલાક દિવસ અગાઉ ગુનો દાખલ થયો હતો. આ ગુનાની તપાસ એએસઆઇ રવિ રમેશભાઈ સોલંકીનાઓ કરતા હતા. તેમણે ઉપરોક્ત ગુનાના આરોપીની અટક કરી કાર્યવાહી દરમ્યાન લાંચ માંગી હતી. તુરંત જ જામીન પર મુક્ત થવા, મારઝૂડ નહિ કરવા તેમજ મુદ્દામાલ પરત કરવા સહિતનો પોઝિટિવ અભિપ્રાય આપવા માટે રૂ.-75,000/- ની માંગણી કરી હતી. આ સાથે લાંચની રકમ પોતાના વચેટિયા ઈસમ એવા ધાનેરાના ગનીભાઇ ભીખાજી મુસલાને આપવા જણાવ્યું હતું. જોકે આ લાંચની રકમ નહિ આપવા ઇચ્છતાએ પાલનપુર એસીબીએ ફરિયાદ કરી હતી. આથી એસીબીએ રજૂઆત આધારે લાંચના છટકાનું આયોજન કરતાં ધાનેરા તાલુકાના ગોલા ગામે આરોપી ગનીભાઇ ધાનેરા પોલીસના એએસઆઇ રવિ રમેશભાઈ સોલંકીના કહેવાથી તેમના વતી લાંચની રકમ રૂપિયા 75000/- સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ધાનેરા પોલીસના એએસઆઇ લાંચ કેસમાં ઝડપાઇ ગયા હોવાનું વાયુવેગે પ્રસરી જતાં બનાસકાંઠા જિલ્લા પોલીસ આલમમાં અને વિવિધ સરકારી કચેરીઓમાં ચકચાર મચી જવા પામી હતી. એસીબી પોલીસે સમગ્ર કેસમાં બંને આરોપીઓને ડિટેઇન કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ ટ્રેપ કરવામાં ટ્રેપિંગ અધિકારી કમ પોલીસ ઇન્સ્પેકટર એન.એ.ચૌધરીને સુપર વિઝન અધિકારી કે.એચ.ગોહિલ અને મદદનિશ નિયામકએ.સી.બી બોર્ડર એકમ ભૂજનો સહયોગ મળ્યો હતો.