હવામાન@ગુજરાત: નવરાત્રીમાં વરસાદનું ગ્રહણ, આજે આ વિસ્તારમાં વરસાદ પડશે, ઉત્તર-દક્ષિણમાં આગાહી

 
Varsad

અટલ સમાચાર, ડેસ્ક 

હવામાન વિભાગે ગુજરાતમાં હજુ સામાન્ય વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા પધરામણી કરશે. હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રિમાં નવેનવ દિવસ સામાન્ય વરસાદ વરસશે. જતાં-જતાં પણ મેઘરાજા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મહેર કરશે. ત્યારે આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડશે.

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો
 
આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. રાજ્યમાં જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદ ખાબકી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે સૌરાષ્ટ્રમાં અમરેલી-બાબરા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ નવરાત્રીના ટાણે જ વરસાદે એન્ટ્રી મારી હતી. તો બીજી તરફ આ વરસાદ હવે ખેડૂતો માટે કમોસમી સાબિત થઈ રહ્યો છે. કપાસ અને મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાન થવાની ભીતી છે.

નોંધનીય છે કે, ગઇકાલે બપોર બાદ બનાસકાંઠાના ધાનેરામાં વરસાદે રમઝટ બોલાવી હતી. બીજા નોરતે પણ ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ ધાનેરા સહિત ગ્રામીણ વિસ્તારમાં પણ મેઘો મંડાયો હતો. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચમાં પણ ગઇકાલે વરસાદે એન્ટ્રી કરી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.

આગામી દિવસોમાં સામાન્ય વરસાદની શક્યતા

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. ખાસ કરીને અમદાવાદમાં આગામી 2 દિવસ સામાન્ય વરસાદના વરતારા છે. શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ આ સાથે ખેડા અને બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સોરાષ્ટ્રમાં પણ જૂનાગઢ અને અમરેલીમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.

28 સપ્ટે.થી 1 ઓક્ટોબર સુધી છૂટોછવાયો વરસાદ: અંબાલાલ પટેલ

અંબાલાલે જણાવ્યું હતું કે, 5 ઓક્ટોબર સુધી દરિયામાં ભારે પવન ફૂંકાશે. 10 ઓક્ટોબર બાદ બંગાળ ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે પણ ચોમાસાના વિદાયની શરૂઆત થઇ ગઇ છે.  ચોમાસાના અંતિમ દિવસોમાં ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતા છે. અંબાલાલની આગાહી મુજબ ગુજરાતમાં નવરાત્રીમાં વરસાદ પડવાની સંભાવના પૂરેપૂરી છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદી ઝાપટાંની શક્યતા સેવાઇ છે. 28 સપ્ટે.થી 1 ઓક્ટોબર સુધી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.