સ્પેશ્યલ@ઉ.ગુ.: ચૂંટણીને લઈ ભાજપનું ભારે મંથન, અનેક સીટો પર રિપીટ-નો રિપીટ થીયરી ? જાણો અહેવાલ

 
Amit Shah 01

અટલ સમાચાર,મહેસાણા

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઈ હવે ઘડીઓ ગણાઈ રહી છે. તેવામાં આ વખતે ઉત્તર ગુજરાતમાં કેસરીયો લહેરાવવામાં ખુદ અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે. સોમવારે પાલનપુર ખાતે ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતાઓ સાથે બેઠક કરી હતી. જોકે તેવામાં સૂત્રોનું માનીએ તો અનેક વિધાનસભા સીટો ઉપર ભાજપની નો રિપીટ થીયરી બદલાઈ શકે છે.  જેમાં સૌથી પહેલા તો મહેસાણા સીટ ઉપર નીતિનભાઇ પટેલ સિવાય અન્ય કોઈ તેમના સમકક્ષ ઉમેદવાર ગોઠવવો એના કરતાં પાર્ટી નીતિનભાઈને રિપીટ કરે તેવી સંભાવના છે. 

ઉત્તર ગુજરાતમાં મોટાભાગની સીટો કબજે કરવા હવે ભાજપ મેદાને પડ્યું છે. ચૂંટણી જાહેર થાય તે પહેલા બેઠકો ઉપર બેઠકો થઈ રહી છે. તો વળી કોને ટિકિટ મળશે અને કોની ટિકિટ કપાશે તે ચર્ચાએ પણ ભારે જોર પકડયું છે. ઉત્તરની વાત કરીએ તો બનાસકાંઠા, અરવલ્લી જિલ્લાની બેઠકો ભાજપ માટે આ વખતે મોટો પડકાર બની શકે છે. તો વળી સૂત્રો મુજબ ઉત્તરમાં સેફ સીટ તરીકે મહેસાણાની ગણતરી થઈ રહી છે.   

Purvin Patel
જાહેરાત

પાલનપુર અમિત શાહની બેઠકમાં શું ચર્ચા થઈ ? 

સોમવારે બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક હાઇલેવલ મિટિંગ મળી હતી. જેમાં 60 વર્ષથી મોટી ઉંમરના ઉમેદવારોને ટિકિટ નહીં આપવાનો નિર્ણય પણ બદલાઈ શકે છે તેવી પણ ચર્ચા થઈ હતી. તો વળી વર્તમાન ધારાસભ્ય અને ત્રણથી વધુ વખત ચૂંટણી લડી ચુકેલા ધારાસભ્યોને પણ ટિકિટ આપી શકાય છે તેવી ચર્ચા થઈ હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.  

આ તરફ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા જિલ્લાની 7 બેઠકો, બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકો, પાટણ જિલ્લાની 4 બેઠકો, સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાની 6 બેઠકો માટે ભાજપે ભારે મંથન શરૂ કર્યું છે. જેમાં ક્યાંક નોરિપીટ થીયરી તો ક્યાંક રિપીટ થીયરીનો અજમાવી શકે છે. 

27-28 ઓક્ટોબરે મહેસાણામાં નિરીક્ષકો સેન્સ લેશે 

ભાજપ દ્વારા મહેસાણા જિલ્લાની 7 વિધાનસભા બેઠકો પર ઉમેદવારોની પસંદગી માટે 27 અને 28 ઓક્ટોબરના રોજ સેન્સ પ્રક્રિયા હાથ ધરનાર છે. જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે 27મીને ગુરુવારના રોજ ખેરાલુ, વિજાપુર અને વિસનગર વિધાનસભા તેમજ 28મીને શુક્રવારના રોજ કડી, બહુચરાજી, મહેસાણા અને ઊંઝા  વિધાનસભા ઉપર ચૂંટણી લડવા ઈચ્છુકોને પાર્ટી દ્વારા મૂકવામાં આવેલા નિરીક્ષકો દ્વારા સાંભળવામાં આવશે.