વાતાવરણ@ગુજરાત: આગામી 48 કલાકમાં આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી, નવરાત્રીમાં વરસાદ નહીં પડે

અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં હવે હવામાન નિષ્ણાતોના મતે સપ્ટેમ્બરના અંતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલાં લો પ્રેશરની અસરના ભાગરૂપે ગુજરાત સહિત દેશનાં અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળશે. બંગાળમાં લો પ્રેશરના કારણે સૌથી વધુ વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાતમાં છે. તેથી એક વખત રાજ્યમાં ભારે પવન સાથે કડાકા ભડાકા સાથે વરસાદની અગાહી કરવામાં આવી છે.
આ તરફ હવે ગુજરાતમાં આગામી 26 સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો. ત્યારે કોરોનાને લઇને નવરાત્રીના આયોજનો પર રોક લગાવી દેવામાં આવી હતી. જોકે હવે નવરાત્રીને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ નવરાત્રિમાં વરસાદ વેરી બનશે તેવી ગરબા રસિકો અને ગરબા આયોજકોને ચિંતા સતાવી રહી હતી. પરંતુ હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવેલી આગાહી મુજબ આ વખતે નવરાત્રિ દરમ્યાન વરસાદની શક્યતા ખુબ જ નહીવત છે. નવરાત્રી વરસાદ પડે તેવી કોઈ શક્યતા ન હોવાથી ગરબા રસિકોને રાહત થઇ છે.
મહત્વનું છે કે, દક્ષિણ ગુજરાતમાં ૪૮ કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં આજે વાદળછાયું વાતાવરણ બન્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૩૪ ટકા વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ૪૮ ટકા વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના મતે એક સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં આજે અમરેલી, ભાવનગર, દાહોદ, ભરૂચ, ડાંગ, સુરત, તાપી, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં વરસાદ મન મૂકીને વરસશે.