બનાવ@ડીસાઃ 20 રૂપિયા આપવા મામલે 4 શખ્સોએ યુવકને છરાના ઘા ઝીંકી હત્યા કરી
ડીસા,,,

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં આજે એક એવી ઘટના સામે આવી છે જેણે સાંભળીને તમને નવાઈ લાગશે. શું તમે ક્યારેય કોઈની 20 રૂપિયામાં હત્યા થઈ હોય તેવું સાંભળ્યું છે? પરંતુ આ ઘટના હકીકત છે. ડીસાના નેહરુનગર ટેકરા વિસ્તારમાં 3 દિવસ પહેલા થયેલી યુવકની હત્યા મુદ્દે મોટો ખુલાસો થયો છે. જેમાં 20 રૂપિયા આપવા મામલે 4 શખ્સોએ યુવકને છરાના ઘા ઝીંકી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, ડીસાના નેહરુનગર ટેકરા વિસ્તારમાં 3 દિવસ પહેલા નવીન માજીરાણા નામના 22 વર્ષીય યુવકની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે હત્યાની શંકાને આધારે તપાસ કરતા 4 શખ્સોએ ફક્ત 20 રૂપિયા મુદ્દે હત્યા કરી હોવાનું ખુલ્યું છે. પોલીસે 4 હત્યારાઓને ઝડપી પાડી બે હત્યારા કિશોર વયના હોઈ બાળ રિમાન્ડ હોમમાં મોકલી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

 

શું હતી સમગ્ર ઘટના?
ડીસા શહેરના નહેરૂનગર ટેકરા વિસ્તારમાં રહેતા બાબુભાઈ મગનભાઈ માજીરાણાનો દીકરો નવિન માજીરાણા ગત 26 મે ને ગુરૂવારની મોડી સાંજે ટેકરા વિસ્તારમાં આવેલી ઓવરહેડ પાણીની ટાંકી નજીકથી પસાર થઈ રહ્યો હતો. જે દરમિયાન પ્રકાશ ઉર્ફે પકો સોમજીભાઈ ઉર્ફે ટીકુભાઈ માજીરાણા અને પૃથ્વીરાજ કેશાજી માજીરાણા રસ્તામાં મળ્યાં હતાં. ત્યારે મૃતકે પ્રકાશ માજીરાણા પાસે 20 રૂપિયાની માંગણી કરી હતી. 

પરંતુ તેણે પાછા આપવાની ના પાડતા મૃતક યુવકે અપશબ્દો બોલતા મામલો બિચકાયો હતો. જેની અદાવતમાં 30 મે ની રાત્રે પ્રકાશ માજીરાણાએ અજાણી જગ્યાએ પાર્ટી કરવાનું કહીને મૃતકને સરકારી વસાહત પાછળના વ્હોળામાં લઈ ગયો હતો. જયાં પૂર્વ આયોજીત કાવતરા મુજબ અન્ય ત્રણ શખ્સો ઉભા હતાં. જ્યાં તેના પર ઉપરા છાપરી છરીના ઘા મારતા તે ઢળી પડ્યો હતો. જ્યારે હત્યારાઓએ હત્યા કરી ફરાર થઈ ગયા હતાં. 

આ અંગે ડીસા પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોધી તપાસ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ હત્યા કરનાર આરોપીઓને દબોચી હત્યાનો ભેદ ઉકેલી દેવામાં સફળતા મળી હતી.